કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જાહેરાત કરી કે કેરળ ભારતનું પ્રથમ રાજ્ય છે જેણે અત્યંત ગરીબી નાબૂદ કરી. તેમણે કેરળ પીરાવી દિવસ નિમિત્તે આયોજિત રાજ્ય વિધાનસભાના ખાસ સત્રમાં આ જાહેરાત કરી.મુખ્યમંત્રીએ તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે જાહેર સમારોહમાં આ સિદ્ધિની ઔપચારિક જાહેરાત કરી. રાજ્યના તમામ મંત્રીઓ આ કાર્યક્રમમાં હાજરી આપી વિજયને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ૧,૦૦૦ કરોડથી વધુના રોકાણ સાથે ૨૦,૬૪૮ પરિવારો માટે દૈનિક ભોજન સુનિશ્ચિત કર્યું છે. આમાંથી ૨,૨૧૦ પરિવારો રાંધેલું ભોજન મેળવી રહ્યા છે. વધુમાં, ૮૫,૭૨૧ લોકોને આવશ્યક તબીબી સારવાર અને દવાઓ મળી છે, જ્યારે હજારો લોકોને આવાસ સહાય મળી છે. અત્યાર સુધીમાં, ૫,૪૦૦ થી વધુ નવા મકાનો પૂર્ણ થયા છે અથવા નિર્માણાધીન છે, અને ૫,૫૨૨ મકાનોનું સમારકામ કરવામાં આવ્યું છે. ઉપરાંત, ૨,૭૧૩ ભૂમિહીન પરિવારોને તેમના મકાનો બનાવવા માટે જમીન આપવામાં આવી છે.









































