મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં શહેરોની સમાંતરે ગ્રામ્ય વિસ્તારોના વિકાસની નેમ સાકાર થઈ રહી છે. આ કડી અંતર્ગત અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા પંથકના સનાળી ગામે રૂ. ૨૫ લાખના ખર્ચે નવનિર્મિત અદ્યતન ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર છેવાડાના માનવી સુધી તમામ સરકારી યોજનાઓ અને પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે કટિબધ્ધ છે. સ્થાનિક નાગરિકોને વહીવટી કાર્યો માટે બહાર ન જવું પડે તે હેતુથી આ આધુનિક સુવિધાયુક્ત ભવન તૈયાર કરાયું છે.
આ સુવિધાસંપન્ન ભવન થકી ગ્રામ્ય કક્ષાની સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓ સ્થાનિકો માટે વધુ સરળ અને ઝડપી બનશે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના હોદ્દેદારો, સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.