૧)મારે ત્યાં જોડિયા બાળકોનો જન્મ થયો છે. નામ શું રાખું?
જયદીપ મહેતા (રાજકોટ)
નાટો અને વીટો !
(૨) તમને આ કોલમ લખવાની પ્રેરણા ક્યાંથી મળી ?
લીનાબેન પંડ્‌યા (બાબરા)
મને પ્રેરણા મળી જ નથી. પ્રેરણાને હું મળ્યો છું( સાચું કહેજો, ગોટે ચડી ગયાને?).
(૩)જગતભરમાં હિંસક પરિસ્થિતિ ટાણે બે આખલાઓની લડાઈ ટાણે, આંખ આડા કાન કરી કોઈ અણગમતા સવાલો વચ્ચે હાસ્ય પતંગ ચગાવવાવાળા ..નહીં રૂકનેવાલા નહીં થકનેવાલા આપ જ છો. આ યોગ્ય છે ખરું?
ડાહ્યાભાઈ ઝ. આદ્ગોજા (લિલિયા મોટા)
સાવ સાચું કહું? આમાં તમે મારા વખાણ કર્યા છે કે નિંદા એ જ સમજાયું નથી.
(૪)તમારા વાચકોને, તમારૂં બીજી વખત ‘પીએચ.ડી.’ ન કરવા પાછળનું રહસ્ય જાણવાની ઇચ્છા છેં, તો શું એ જણાવી શકશો?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ)
પીએચ.ડી. કરવાથી નામ આગળ ડો. (ડોક્ટર) શબ્દ લાગે.બે વાર પીએચ.ડી. કરું તો ડોડો લગાડવું પડે.. આ ડોડો સારું ન લાગેને!
(૫) માકડું અને માણસમાં શું ફેર ?
નિતુલ દિનેશભાઈ ડાભી (બાબરા)
માંકડું સવાલ ન પૂછે.
(૬) કહેવત છે કે તેલ જુઓ તેલની ધાર જુઓ. પ્રશ્ન એ છે કે તેલની ધાર જોઈએ એમાં જ તેલ ન જોવાઈ જાય?
ગીતાબેન સાવલિયા (ભેસાણ)
તમે એમ કરો, શાકમાં ભલે તેલ નાખો પણ ભાખરી તેલ વિના બનાવો. શાકમાં નાખ્યું એટલે ભાખરીમાં આવી ગયું.
(૭)મે એવું સાંભળ્યું છે કૈન્ મેચમાં તમને અમ્પાયરીંગ કરવા બોલાવ્યા છે.
રાજુ એન. જોષી (ધરાઈ-બાલમુકુંદ)
હા વચ્ચે વાત થઈ હતી..એણે મને અમ્પાયરીંગ કરવા ત્યાં બોલાવ્યો હતો પણ મેં એને રમવા માટે અહીં બોલાવ્યા એમાં વાત અટકી ગઈ.
(૮)નારી તું નારાયણી,તો પછી નર તું નારાયણ કેમ નથી કહેવાતું?
હરિભાઈ ધોરાજીયા (લીલિયા મોટા)
ઓહો, તમારું શાસ્ત્રોનું જ્ઞાન બહુ ઊંચું છે. તમે એકાદું શાસ્ત્ર લખી કાઢો.એમાં નરને નારાયણ બતાવજો.. હું તો કહું છું કે નારીનું કાંઈ લખતા જ નહીં.
(૯)ઘરજમાઈ બન્યા હોય તો પત્ની રિસામણે ક્યાં જાય?
પ્રિયંકા કૃણાલ સાવલિયા ( સુરત)
આવા કેસમાં પત્નીને ક્યાંય જવાનું હોતું નથી. પિયરપક્ષને જ રિસામણે મોકલી દેવાનો હોય છે.
(૧૦)આજકાલ બે મિનિટમાં થતા પ્રેમ વિશે શું કહેવું છે તમારુ?
ધારા બફલીપરા (ખાખરિયા)
એણે ફાસ્ટફૂડ ખાધું હશે !
(૧૧)પુષ્પા મૂવી વિશે તમે કેવા રિવ્યુઝ આપશો?
ઉર્વીશા ડાંગર (રાજકોટ)
આ ફિલ્મથી આપણાં ચંપલ ઉદ્યોગ અને સ્નાયુ ખેંચાઈ જાય ત્યારે લગાવાતી દવાના ઉદ્યોગને બહુ ફાયદો થશે જોજો !
(૧૨) નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ એવુ કહેવાય છે. એમાં નાથાલાલનુ જ નામ કેમ લેવાય છે?
વિનલ રાદડિયા (સુરત)
તમને નાથાલાલ સાથે વાંધો હોય તો એ નામ હમણાં કઢાવી નાખું પણ પછી તમારું નામ મૂકવું પડશે. વિનલલાલ કેવું લાગશે?
(૧૩)હોળી સળગાવવાનો ને પ્રગટાવવાનો ભેદ સમજાવો.
અનિરુદ્ધસિંહ રાઠોડ (નવા વાઘણીયા)
બધાએ સામેથી હોળી માટે છાણાં આપ્યા હોય એને પ્રગટાવી કહેવાય. પૂછ્યા વિના બારોબાર કોઈના છાણાં ઉપાડી આવો એને સળગાવી કહેવાય.
(૧૪)યુક્રેન અને રશિયાનાં યુધ્ધના સમાચારથી ક્યારે છુટકારો મળશે ?
અશોકભાઈ જોશી (લીલિયા મોટા)
સાવ સહેલું છે રિમોટ હાથમાં હોય તો બટન દબાવી દો.
(૧૫)ઉનાળામાં ગરમી કેમ થાય છે,,?
મહેશ સિધ્ધપુરા (બાબરા)
બરફ અને આઈસ્ક્રીમવાળા પરદેશમાંથી ગરમી લાવીને આપણાં દેશમાં પાડતા હોય એવું લાગે છે જેથી એનો ધંધો સારો ચાલે.