“એ છોકરી દેખાવે કેવી છે.”
“અરે યાર ! તું તો વિચાર જ કેવા કરે છે છોકરીનું નામ લીધું ત્યાં તો…,
હવે સાંભળી લે: જ્યોતિ શિક્ષિકા છે. હમણાં તેને નોકરી મળી. હું જે સ્કૂલમાં નોકરી કરૂં છું એ જ સ્કૂલમાં તે નોકરી કરે છે. હજી તો ત્રણ – ચાર દિવસ તેને નોકરીના થયા. થોડી દૂરથી આવી છે. આજે રજા લઇને તે તેના વતનમાં ગઇ. બસ તેને બસ સુધી હું મૂકવા આવેલો હવે છે કંઇ…” દામલે કહ્યું.
“તે ખૂબ સારૂં કામ કર્યું. જુવાન છોકરીને અહીં સુધી મૂકવા આવવાનો મોકો તો તને મળ્યો. પણ એ તો કહે, જ્યોતિ દેખાવે કેવી છે ?”
“રણમલ…, તું તો સાવ એવો જ રહ્યો. હું કંઇ તારી જેમ છોકરીઓ પાછળ પગરખાં ઘસતો નથી, કે પછી પાગલ પણ નથી થતો. આ તો માનવતાની રાહે એકલી – અટૂલી અજાણી છોકરી બીજે ક્યાંય રહે તે મારી બાને પસંદ ન હતું એટલે જ્યોતિ મારા મકાનના એક રૂમમાં રહેવા માટે તૈયાર થઇ. એના માટે અજાણ્યા ગામમાં બીજે કયાંય રહેવું તેના કરતાં આ જાણીતા અને નોકરી કરતા એવા કુટુંબ સાથે રહેવા તે તૈયાર થઈ. આમાં બાનો પૂરપૂરો સાથ – સહકાર હતો બાકી તારી જેમ હું કંઇ…” દામલ ઘણું બધું બોલ્યો. એટલે રણમલ પણ કંઇ જેમ – તેમ નહોતો તેણે પણ દામલને સંભળાવ્યું.
“રહેવા દે… રહેવા દે…, હું તને નાનપણથી ઓળખું છું. સ્વામી વિવેકાનંદ જેવા સિધ્ધાંતો તું તારી પાસે રાખવાનો ઢોંગ કર મો… તું સ્વભાવે ખૂબ શરમાળ છે એટલું જ બાકી તો તું પણ…”
“સાવ તારા જેવો તો હું નથી જ, સમજ્યો ? હા, નમણી અને રૂપાળી તેમજ તેજીલી છોકરી મને પણ ખૂબ ખૂબ ગમે છે. જા આવી છોકરી મારી સામે થોડીવાર ઉભી રહે તો….તો…. તેના સાંદર્યને જાઇ એકાદ ગઝલ પણ હું લખી શકુ તેમ છું. પરંતુ આ તો… જ્યોતિ છે જ્યોતિ, આશકા…”
“ચાલ હવે આવી બધી ફિલસૂફીની વાત પડતી મૂક.. સાચે જ એ કહે કે, તને જ્યોતિ ગમી કે નહીં ? મુદ્દાની વાત કર…”
“હા… દોસ્ત!” શરમાતા શરમાતા નીચે જાઇ દામલ બોલ્યો ઃ “ જ્યોતિ મને અતિશય ગમે છે. તેના રૂપાળા ચહેરાને જાતા હું ધરાતો જ નથી. પરંતુ એ સાવલિયા એટલે કે પટેલ છે અને હું એક બ્રાહ્મણનો દીકરો છું…”
“આવી જ્ઞાતિની વાત આજના યુગમાં છોડી દે. આવું બધું વિચારીશ તો… જીવનભર વાંઢો રહીશ, સમજ્યો ? એ પટેલ હોય તો શું થયું ? એની ઇચ્છા હોય તો લવમેરેજ કરી લે. કોર્ટ પણ મંજૂરી આપે છે. પછી, આગે આગે દેખા જાયેગા…”
“એવું ન બોલ, રણમલ મારે તો બધી વાતે વિચાર કરવો પડે. બાપુ તો છે નહીં બાનું ધ્યાન પણ મારે જ રાખવાનું છે. વળી જ્યોતિની ઇચ્છાનો પણ વિચાર કરવો રહ્યો. તેની ઇચ્છા શું છે… તે પહેલા જાણવું પડે એમ ને એમ કંઇ…”
“જેવી તારી ઇચ્છા દોસ્ત ! અત્યારે મારે એક કામ માટે ખૂબ ઉતાવળ છે. તને છોડીને જવું પડે તેમ છે સાંભળ: રજા…, રવિવારે તો તારે રજા જ હોય છે. આપણે રવિવારે ખોડિયાર ડેમે ફરવા જઇશું. ઢગલાબંધ વાતો કરીશું અત્યારે થોડી ઉતાવળમાં છું એટલે જઉ છું. રવિવારે મળીએ…”
“તું જા…જા… રણમલ… તારૂં કામ પતાવ રવિવારે મળીશું…”
આમ, બાળપણ સખા આટલી વાત કરી અલગ થયા. રણમલ ચાલ્યો ગયો એટલે દામજી હવે પોતાના ઘરના રસ્તે ચડયો. જ્યારે એ ઘરે પહોંચ્યો ત્યારે સંધ્યા થઇ ચૂકી હતી. હવે ધીમે ધીમે અંધકારનું સામ્રાજ્ય ફેલાવા લાગ્યું હતું.
દામજીએ ડેલીમાં પગ મૂક્યો એ સાથે જ ઓસરીની કોરે બેઠેલા
આભાર – નિહારીકા રવિયા બાએ તરત પૂછયું: “બસમાં બેસવાની જગ્યા તો મળીને ?”
“હા…” દામલે નમ્ર અવાજે કહ્યું: “આરામથી જગ્યા મળી ગઇ. બસમાં ઘણી સીટ ખાલી જ હતી. આજે ભીડ ન હતી.”
“સારૂં થયું, હવે તો તે નિરાંતે તેના ગામ પહોંચી જશે. અને હા, અત્યારે ખાવાનું શું બનાવું ?”
“આજે મને જરા પણ ભૂખ નથી બા, ખાલી ભાખરી જ બનાવજે દૂધ સાથે હું ભાખરી જમી લઇશ.”
“કેમ…? આજે તને ભૂખ કેમ નથી ?”
“એવું નથી, પણ આજે પેટ ભરેલું હોય તેવું મને લાગે છે.”
“સારૂં… બસ! ભાખરી બનાવી દઇશ હજી તો તારે ગામમાં આંટો મારવા જવું છે ને ?”
“ના…બા, આજે આંટો મારવાનો મૂડ જ નથી. મારા રૂમમાં બેસી હું થોડું વાંચીશ અને લખીશ…”
રોજના નિયમ પ્રમાણે શાળાએથી આવ્યા પછી તરત જ ઘરમાંથી બહાર નીકળી ગામમાં લટાર મારવા જતો દીકરો આજે ઘરમાં બેસી રહેવા તૈયાર થયો હતો. એટલે તો સમજુબાના વિચારો આમ – તેમ તરડાયા એ સાથે જ તેની સમજણ પ્રમાણે તેમના વિચારો ફરી ફરીને જ્યોતિ પ્રત્યે…. સાવધાન થવા લાગ્યા ખુશ ખુશ થતાં તેઓ વિચારવા લાગ્યા ઃ
જા જ્યોતિને મારો દામો ગમતો હોય તો હું અબીલ – ગુલાલ ઉડાડવા માટે તૈયાર જ બેઠી છું જ્યોતિ તો રૂપાળી અને ખૂબ જ નમણી છે. નમણી નાગરવેલ જેવી નારી નરને તો ખૂબ જ ગમે પરંતુ એવી નારી બીજી નારીઓને પણ અતિ વહાલી લાગતી હોય છે. ત્યારે જ્યોતિનું તો રૂપ જ એવું કે બધા અંજાઇ જાય ! એની દેહયષ્ઠિ કોઇ શિલ્પીની કલાકૃતિ જેવી હતી. હા, ત્રણ – ચાર દિવસના સહવાસથી તો તેણે મારા આ ઘરને સ્વર્ગ જેવું બનાવી દીધું.
હા, મારા દીકરાને તો હું સારી રીતે ઓળખું છું. મે તેને જન્મ આપ્યો છે. દામો ખૂબ જ શરમાળ છે. પરંતુ જ્યોતિને તો તે મનોમન ચાહતો હોય તેવું મને દેખાઈ રહ્યું છે. અને આમાં ખોટું પણ શું ? જુવાન એવા દીકરાને જુવાન અને રૂપાળી કન્યા ગમે જ. વળી સાથે ને સાથે એક જ સ્કૂલમાં નોકરી કરવાની. દામાને આ જ્યોતિ પસંદ હોય અને જ્યોતિને દામો પસંદ પડી જાય તો પછી મારો કાનુડો સાથ આપશે જ ! હું ભલે જુના જમાનાની રહી પણ આ બંનેનો મેળાપ થતો હોય તો હું મારા બંને હાથે હજારવાર ઓવારણા લઇશ. પરંતુ… આ બંનેમાંથી કોઇ એક જરા અમસ્તો ઇશારો કરે તો પછી વાતને આગળ હું વધારી શકું નહીં તો પછી…
આમ … આવી તો અનેક વિચારોની હારમાળા બાની આંખો સામેથી ઝડપથી પસાર થવા લાગી ત્યારે દામો તો તેના રૂમમાં ભરાયો હતો. અત્યારે તે શું કરતો હશે ? લખતો હશે કે પછી વાંચતો હશે ? એમ વિચારતા વિચારતા બા…દામાના રૂમ તરફ ચાલવા લાગ્યા. (ક્રમશઃ)