દેશ લોકશાહીનું મહાપર્વ ઉજવવા જઈ રહ્યો છે. વર્તમાન સરકારનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે અને લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. ચૂંટણી લડવા માંગતા દરેક રાજકીય પક્ષે પ્રજા પાસે નવેસરથી જનાદેશ લેવા જવાનો સમય નજીક આવી રહ્યો છે. બધા રાજકીય પક્ષો એડીચોટીનું જોર કરી રહ્યા છે. મતદાર પોતાની વિવેકબુદ્ધિથી રાજકીય પક્ષોની દરેક ગતિવિધિઓનું આકલન કરી રહ્યો છે. મેદાનોની સભાઓનું યુદ્ધ શરુ થઇ ગયું છે, સાથે સાથે બીજા ઘણા બધા માધ્યમો પર ચૂંટણીલક્ષી વાતાવરણ બની ચુક્યું છે અને ત્યાં ચૂંટણી લડાઈ રહી છે. સોશ્યલ મીડિયા પર એક અલગ જંગ ચાલી રહ્યો છે. તેનો વ્યાપ એટલો બહોળો છે કે દરેક પક્ષે એ ગંભીરતાથી લેવું પડે તેમ છે. એક ઝાટકે લાખો કરોડો લોકો આટલી ઝડપથી ક્યારેય જોડાઈ નહોતા શકતા. ત્યાં એક વર્ગ ઉછીના શબ્દો, ઉછીના વિચારો સાથે સોશ્યલ મીડિયાના માધ્યમ પર દોઢ જી.બી. રીચાર્જ સાથે હાજર છે, જે પોતાના કુતર્ક થકી કોઈપણને આરોપીના પાંજરામાં ઉભો કરી કરી શકે છે. જેના માનસમાંથી એક બજારુ નિંદારસ સતત ઝરી રહ્યો છે, જેના પગ ધરતીને અડક્યા નથી એવા દુરી તીરી કક્ષાના માણસો પોતાની રોટી રોજી પેદા કરવા કે પોતાના આકાઓની રહેમનઝર મેળવવા અહિયાં સક્રિય છે. આ વર્ગ દરેક પક્ષમાં છે. જે વર્ગ કોઈ પક્ષ સાથે સીધો નથી જોડાયેલો એ પણ કોઈના વિરોધ કે સમર્થન માટે જંગમાં છે. તેની માનસિક અવસ્થા જાગતિક આત્મઘાતની સ્થિતિમાં છે. એ સામેના કોઈપણ સત્યને સ્વીકારી શકે તેમ નથી. આ સ્થિતિ યુદ્ધની છે, જેમાં સામેના પક્ષનું સત્ય સ્વીકારવાનું હોતું નથી. એ સત્યના તલવારના એક ઝાટકે બે કટકા કરવાના હોય છે, ત્યારબાદ જે વધે છે એ વિજેતાનું સત્ય હોય છે અને એ જ આખરી સત્ય બની રહે છે. પણ લોકશાહીની ચૂંટણીમાં છેક તેમ નથી હોતું. લોકશાહીમાં આખરી સત્ય મતપેટીમાંથી બહાર આવે છે. એ સત્ય દરેકે સ્વીકારવું પડે છે. આજે ગામડાની જનતા રાષ્ટ્રીય મુદ્દાઓ ચર્ચતી થઇ ગઈ છે. પ્રિન્ટ અને વિજાણું માધ્યમથી લોકશાહી તમારા દીવાનખંડ અને ખેતરના શેઢે પહોચી ગઈ છે.
જુના સમયમાં પ્રજાના આવડા મોટા વર્ગનું ચૂંટણી કે રાજકારણ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ જોડાણ ક્યારેય નહોતું. કોઈ મુદ્દે લાખો લોકો સમર્થન કે વિરોધમાં ઉતરી શકે એવી સ્થિતિ છે. પહેલા પ્રચાર પ્રસારના માધ્યમો આટલા વ્યાપક, ઝડપી અને સબળ નહોતા. પોતાની વાતને પહોચાડવા પક્ષ કે નેતાઓને એક વખત મતદારની રૂબરૂ જરૂર આવવું પડતું. નેતાની એક માત્ર સભા ગામના ચોરે થતી. મતદાર પણ એટલો જાગૃત અને શિક્ષિત નહોતો, ડેલીએ બેઠેલો તેનો આગેવાન કહે એને મત આપી દેવાનો રહેતો. નેતાઓ આવા ડેલી આગેવાન અને જ્ઞાતિ જાતિના સમીકરણો પર જીતી જવા નિશ્ચિત રહી શકતા. ધીમે ધીમે પ્રજા જાગૃતિનો સમય શરુ થયો, જનતામાં શિક્ષણનું પ્રમાણ વધ્યું, માણસની વૈચારિક પરાવલંબતા ખતમ થતી ગઈ. શૈક્ષણિક અને સામાજિક જાગૃતિએ પ્રજાને જાહેર જીવનના મુદ્દાઓની મુલવણીનો દૃષ્ટિકોણ આપ્યો. આ દ્રષ્ટિકોણે ધીમે ધીમે રાષ્ટ્રવાદને પોષણ આપ્યું. પોતાના અને રાષ્ટ્રના ભવિષ્યનું સાયુજ્ય સાધીને શાસકની પસંદગીનું નીરક્ષીર કરતો થઇ ગયો છે. એક ખાસ્સો મોટો વર્ગ ઉભો થઇ ગયો કે જેને પ્રલોભન કે જ્ઞાતિ જાતિના બ્લેકમેઈલિંગ દ્વારા મત આપવા આકર્ષી કે ઉશ્કેરી શકાતો નથી. નેતાઓ પાસે કામ કરી બતાવવા સિવાય વિકલ્પ ન બચ્યો. આ લોકશાહીની પરિપક્વતા છે. પરંતુ પ્રચાર પ્રસારના ઝડપી અને વ્યાપક માધ્યમો ઉમેરતા પક્ષો અને પક્ષોની વિચારધારામાં માનતા માણસો કે એ માણસોમાં માનતા માણસો વચ્ચે રાજકીય કટ્ટરતા વધતી ચાલી છે. દરેક પક્ષમાં રહેલા એક ખુબ નાના અને છીછરા વર્ગ દ્વારા આવા સમયે સંવાદિતા ખોરવવા પ્રયત્ન થાય છે, વાતાવરણ કલુષિત કરવાનો પ્રયત્ન થાય છે, પરંતુ આ દેશની પાકટ લોકશાહી છે, એણે શિખરનો બોધ અને તળેટીની અંધારી ગલીનો તર્ક પણ જોયેલો છે. પ્રજામતની તાકાતે સત્તાના ઘમંડને મતની એક ચબરખી નાખીને ચુર કરેલ છે. પોતાના હૃદય સમ્રાટોને એણે ખોબલે ખોબલે મત આપીને સત્તાના સિંહાસને વર્ષો સુધી બેસાડ્‌યા છે. આજે દેશની લોકશાહીના ચહેરા પર બુદ્ધના ચહેરા જેવા નિગૂઢ સ્મિતના ભાવ અંકિત છે, મહાવીરનું સ્થિર ચિત છે, ગાંધીના મૂલ્યો છે અને સરદાર જેવું લોખંડી પૌરુષત્વ પડેલું છે.
હંસ પાસે નીરક્ષીર વિવેક છે. મતદાનમાં પ્રજાનો નીરક્ષીર વિવેક હોવો જરૂરી છે. જે પસંદગી છે તે કોઈ વ્યક્તિગત નથી, મત કે અભિપ્રાય વ્યક્તિગત હોઈ શકે છે, મતદાનનો અર્થ વ્યાપક છે. એ પસંદગી એક ખુબ મોટા વર્ગ માટે થઇ રહી છે. વ્યક્તિગત હિત સાથે સમષ્ટિનું હિત સાધીને પસંદગી કરવાના નીરક્ષીર વિવેકની કસોટીનું નામ ચૂંટણી છે.
ક્વિક નોટ — “રાજ્ય પ્રજા માટે છે, પ્રજા રાજ્ય માટે નથી. દરેક નાગરિક પાસે રાજ્યની એક અપેક્ષા હોય છે કે એનું સ્વાતંત્ર્ય સર્જનાત્મક ધ્યેય માટે વપરાશે, વ્યકિત અને સમાજના ઉત્કર્ષ માટે. સ્વતંત્રતાનું એક અવશ્યંભાવી સત્ય એ છે કે વ્યક્તિગત સ્વાતંત્ર્ય નામની કોઈ વસ્તુ નથી. આપણે બધા સાથે જ સ્વતંત્ર રહી શકીશું. જયારે વ્યક્તિઓ માત્ર પોતાના અધિકારો જ માગતી રહેશે અને જવાબદારીઓ બીજા પર ઢોળી નાખતી રહેશે ત્યારે સ્વાત્રંત્ર્ય ટકી નહિ શકે……” — રોમન હરઝોગ — ભૂતપૂર્વ જર્મન રાષ્ટ્રપતિ.
“લોકો પાણી જેવા છે, અને શાસક હોડી છે. પાણી હોડીને તરાવે છે કાં તો ઉંધી કરી નાખે છે.” — લિ-શિમીન (એક ચીની સમ્રાટ.)