(૧) તમે ચૂંટણીમાં કોનો પ્રચાર કરશો? પરમાર સુભાષ ઘનશ્યામભાઈ (મોટાલીલીયા)
હું પણ એ જ વિચાર કરું છું કોનો પ્રચાર કરવો, બાઇડનનો કે ટ્રંપનો?!
(૨) ન્યાયની દેવીની આંખે પટ્ટી શા માટે બાંધેલી હોય છે?
યોગેશભાઈ આર જોશી (હાલોલઃ જિ.પંચમહાલ)
તમને વળી પાછો કોણે અન્યાય કર્યો ?
(૩) જમાઈને સાસરે કેમ બહુ સાચવતા હશે?
કટારીયા આશા એચ. (કીડી)
આ અફવા કોણે ફેલાવી એ જ સમજાતું નથી.
(૪) અમારી સોસાયટીમાં સારા માણસો ટકતા નથી એનું કારણ શું હશે?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
તમે ટકી ગયા છો!
(૫) શું અમુક લોકો ગયા જન્મમાં વાંદરા હશે, જ્યાં મીઠાં ફળ જુવે ત્યાં ગુલાંટ મારે છે ?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
ગયા જન્મની ખબર નથી પણ એવા લોકોને આવતા જન્મમાં વાંદરા થવાના ચાન્સ વધારે છે!
(૬) તમે ચૂંટણી પંચમાં હો તો સૌ પ્રથમ ક્યો નિયમ બનાવો?
રામભાઈ પટેલ (સુરત)
એ જ કે ચૂંટણી નજીક હોય ત્યારે ‘હાસ્યાય નમઃ’ માં ચૂંટણીને લગતા કોઈ સવાલ પૂછવા નહિ!
(૭) તડકા શરૂ થઈ ગયા છે તમારા વાચકો માટે નવા એ.સી. નહિ મોકલો ?
રાજુ એન. જોષી (ધરાઈ-બાલમુકુંદ)
તમે વાચક મટીને યાચક બનવાની કોશિશ ન કરો!
(૮) છોકરા મોબાઈલ પછાડે એટલે સીધી ડિસ્પ્લે જ કેમ તૂટતી હશે?
નિદા નસીમ (ઉના)
જે દિવસે છોકરાની મમ્મી પછાડશે તે દિવસે ડિસ્પ્લે અને લાદી બન્ને તૂટશે!
(૯) ઉનાળાની આચારસંહિતા ઃ (૧) બપોરે શાવર નીચે ન્હાતા પહેલા પાણીનું ઉષ્ણતામાન ચેક કરી લેવું. બીજી તમે કહો.
– કનુભાઈ પરમાર (દામનગર)
ન્હાતા વાર લાગે અને પાણી વધારે વપરાઈ જાય તો બહાર નીકળતા પહેલા બહારનું ઉષ્ણતામાન ચેક કરી લેવું!
(૧૦) સરસ્વતીજી પાસે વિદ્યા માંગવી સારી કે લક્ષ્મીજી પાસે ધન માંગવું સારૂં?
હરિભાઈ ધોરાજિયા (લીલીયા મોટા)
તમારો સવાલ જાહેર પરીક્ષામાં પુછાય એવો છે. એનો હું જવાબ આપુ તો પેપર ફૂટી ગયું કહેવાય. બાકી તમારો સવાલ જોતા વિદ્યા અને ધન એમ બન્ને માગ્યા વિના મળે એવી શક્યતા છે.
(૧૧) ધરતીમાંથી પેટ્રોલ ખૂટી જશે તો શું કરીશું?
જય દવે (ભાવનગર)
મોટરસાઇકલ પાછળ બેઠો હોય એને કહેવાનું, ‘હવે માર ધક્કા!’
(૧૨) આપણા દેશમાં મુખ્ય પક્ષ ક્યાં?
રમાબેન પટેલ (અમદાવાદ)
સ્ત્રીઓ માટે પિયર પક્ષ અને પુરુષો માટે એના પત્ની જે પક્ષમાં હોય એ!!
(૧૩) જેમ માણસને ઈશ્વરમાં શ્રદ્ધા હોય એમ ઈશ્વરને માણસમાં શ્રદ્ધા હશે?
દર્શન પટેલ (વડોદરા)
હોય તો જ રોજ નવાનવા બાળકનો જન્મ થતો હોય ને?!
(૧૪) મોર બોલે તો વરસાદ આવે તો ઉનાળામાં મોર બોલે તો શું વરસાદ આવતો હશે ?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
ના, તો લૂ આવે!
(૧૫) ખાવાની ચીજ નહિ છતાં ખવાય એ શું?
ડાહ્યાભાઈ આદ્રોજા (લીલીયા મોટા)
બગાસું, ઉધરસ, છીંક, આળસ, લાંચ. હજી ઘણું બધું હશે!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..