ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભીંગરણ ગામે ધોળા દિવસે લૂંટ વિથ મર્ડરની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં આંગણવાડી નજીક રહેતાં ૮૫ વર્ષીય
વૃધ્ધા રખમાંઈબેન પીઠાભાઈ બાંભણીયા પોતાના ઘરે એકલાં હતાં, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો.બપોર બાદ બનેલી આ ઘટનામાં તસ્કરોએ વૃધ્ધાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવી હતી અને તેમણે પહેરેલાં સોના-ચાંદીના ઘરેણાંની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. મૃતકનો પરિવાર વાડી વિસ્તારમાં રહેતો હોવાથી વૃદ્ધા ઘરે એકલાં હોવાનો લાભ ગુનેગારોએ ઉઠાવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. ઘટનાની જાણ થતાં જ નવા બંદર પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે લોહીલુહાણ હાલતમાં મૃતદેહનો કબ્જો મેળવીને લૂંટારુઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.




































