ઉના તાલુકાના નાઠેજ ગામ નજીક ભાવનગર રોડ પર શાળાએ જવા વાહનની રાહ જોઈ રહેલી બે વિદ્યાર્થીનીઓને પુરપાટ ઝડપે આવતી કારે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. નાઠેજના વતની માનવીબેન સોસા અને પ્રિયાબેન સોસા રોડ કિનારે ઊભી હતી. દરમિયાન ઉનાના અશ્વિનભાઈ ચંદ્રકાંતભાઈ જોષીને અચાનક ઝોકું આવતાં કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બંને વિદ્યાર્થીનીઓને અડફેટે લઈ ફંગોળી દીધી હતી. ટક્કરની અસરથી બંને છાત્રાઓ કાંટાની વાડ અને પાણીના ખાબોચિયામાં જઈ પડતાં ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ગુલિસ્તા પ્રાથમિક શાળાના શિક્ષક સોહિલભાઈ ઉનડજામ તથા અન્ય રાહદારીઓએ તાત્કાલિક બંનેને બહાર કાઢી ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. બનાવની જાણ થતાં ઉના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.







































