ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લાના કાલસી વિસ્તારમાં હિમાચલ પ્રદેશ પરિવહન નિગમની એક પેસેન્જર બસ ખાડામાં પડી ગઈ. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. તેમાંથી છ થી સાત લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માત સમયે બસમાં આશરે ૩૦ મુસાફરો હતા. મૃતકોમાં બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઘાયલોને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળે અહેવાલ આપ્યો છે કે મંગળવારે ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના કાલસીમાં ક્વાનુ-મિનાસ રોડના એક દૂરના વિસ્તારમાં હિમાચલ રોડવેઝની બસ અકસ્માતનો ભોગ બની અને ઊંડી ખાડીમાં પડી ગઈ. માહિતી મળતાં અને એસડીઆરએફ કમાન્ડન્ટ અર્પણ યદુવંશીના આદેશ પર, ડાકપથર, ચક્રતા, મોરી અને ટુનીની એસડીઆરએફ ટીમોને તાત્કાલિક અકસ્માત સ્થળ પર રવાના કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું, “અમને કાલસી વિસ્તાર (દેહરાદૂન) માં હિમાચલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બસ અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. મેં ફોન પર જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી અને જરૂરી સૂચનાઓ આપી. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.” નજીકના તમામ તબીબી કેન્દ્રોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જા જરૂરી હોય તો, ગંભીર રીતે ઘાયલ મુસાફરોને એરલિફ્ટ કરીને અદ્યતન તબીબી કેન્દ્રોમાં લઈ જવામાં આવશે. હું બધા મુસાફરોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.
એ યાદ રહે કે રવિવારે વહેલી સવારે, તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં તિરુચી-ચિદમ્બરમ રાષ્ટીય ધોરીમાર્ગ પર સમયપુરમ મરિયમ્મન મંદિરથી પરત ફરી રહેલા યાત્રાળુઓને લઈ જતી એક વાન પલટી ગઈ હતી, જેના પરિણામે અકસ્માત થયો હતો. આ ઘટના પોયુર ગામ નજીક બની હતી. માહિતી મળતાં, કીઝાપઝુવર પોલીસ ઘટનાસ્થળે પહોંચી, કેસ નોંધ્યો અને ઘટનાની તપાસ શરૂ કરી.









































