ગુજરાત હાઈકોર્ટે આશ્રમશાળાઓના સંચાલન, શિક્ષકોની સેવા શરતો અને પેન્શન-ગ્રેજ્યુઇટીના મુદ્દે સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટકોર કરી છે. અગાઉની સુનાવણીઓમાં રાજ્ય સરકારે આશ્રમશાળાઓને શિક્ષણ વિભાગ હેઠળ લાવવાની દિશામાં કામગીરી શરૂ કરી હોવાનું રજૂ કર્યું હતું.
સુનાવણી દરમિયાન એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે સરકાર તરફથી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, આશ્રમશાળાઓને શિક્ષણ વિભાગ હેઠળ લેવા માટે નિયમો બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. અરજદાર શિક્ષકો એનજીઓ સંચાલિત આશ્રમશાળાઓમાં સેવા આપે છે, જ્યારે અન્ય કેટલીક શાળાઓ ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન કમિટી હેઠળ આવે છે. શિક્ષકો તરફથી મુખ્યત્વે ગ્રેજ્યુઇટી, પેન્શન અને જીપીએફ સહિતના લાભોમાં વિસંગતતા અંગે રજૂઆત કરવામાં આવી છે.
સરકાર તરફથી જણાવાયું હતું કે, વર્ષ ૨૦૦૨ના નિયમો મુજબ એક સમયગાળા સુધી જૂની પેન્શન યોજના અમલમાં હતી અને ત્યારબાદ નવી પેન્શન યોજના લાગુ થઈ હતી. સરકારી ઠરાવો મુજબ ગ્રેજ્યુઇટી અને પેન્શનના લાભો આપવામાં આવી રહ્યા છે. અરજદાર શિક્ષકોનું કહેવું છે કે સરકારી શિક્ષકોને મળતા જીપીએફનો લાભ તેમને મળતો નથી અને જીપીએફ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા ચાલી રહી છે.
સુનાવણી દરમિયાન શિક્ષકોના પગારધોરણનો મુદ્દો પણ સામે આવ્યો હતો. આશ્રમશાળાઓમાં અગાઉ પે સ્કેલ ૫૨૦૦ અને ગ્રેડ પે ૨૮૦૦, જ્યારે ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન કમિટી હેઠળની શાળાઓમાં પે સ્કેલ ૯૩૦૦ અને ગ્રેડ પે ૪૨૦૦ હોવાનું રજૂ થયું હતું. જાકે, સમયાંતરે સરકારના ઠરાવો દ્વારા આ સેવા શરતોમાં સુધારા કરવામાં આવ્યા હોવાનું સરકાર તરફથી જણાવાયું હતું.
કોર્ટે ટકોર કરી હતી કે સરકારને આ મામલે નિયમો બનાવવા માટે જ કહેવામાં આવ્યું છે. સરકાર અત્યાર સુધી ઠરાવો કરીને આ શાળાઓ ચલાવતી આવી છે. બીજી તરફ, સરકાર તરફથી શિક્ષકોની રજાઓ અંગે પણ નિયમો મુજબ લાભ મળતો હોવાનું જણાવાયું હતું, પરંતુ દરેક આશ્રમશાળાના કર્મચારીને સીધા સરકારી કર્મચારી તરીકે ગણવાની માંગ સ્વીકારી શકાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી હતી.
કોર્ટે મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો કે સરકાર એનજીઓને શાળાઓ ચલાવવા માટે ગ્રાન્ટ આપે છે, પરંતુ જા સંચાલન પર સરકારનું પૂરતું નિયંત્રણ ન હોય તો શિક્ષકોની ભરતી અને તેમની લાયકાત કેવી રીતે નક્કી થશે? ભરતી પ્રક્રિયા શાળા મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે ત્યારે સમાન સેવા શરતો અને ગુણવત્તા જાળવવાનો પ્રશ્ન પણ ઊભો થાય છે.
કોર્ટે સૂચન કર્યું હતું કે ગ્રાન્ટ મેળવતી આશ્રમશાળાના મેનેજમેન્ટમાં ગંભીર ખામી સામે આવે તો સરકાર પાસે તે મેનેજમેન્ટને સુપરસિડ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. સાથે જ આશ્રમશાળામાં એકવાર શિક્ષકની ભરતી થયા બાદ તેની અન્ય શાળામાં બદલી ન થાય તે અંગે પણ નિયમો બનાવવાની દિશામાં કોર્ટનું ધ્યાન દોરાયું હતું.
હાઈકોર્ટે ગંભીર ટકોર કરતાં કહ્યું હતું કે આશ્રમશાળાઓનો મુખ્ય હેતુ જ આંતરિયાળ અને વંચિત વિસ્તારોના બાળકો સુધી શિક્ષણ પહોંચાડવાનો છે. પરંતુ જા શિક્ષકો ગામડાઓ અને આંતરિયાળ વિસ્તારોમાં જઈને સેવા આપવા તૈયાર ન હોય અને દરેકને શહેરમાં જ રહેવું હોય તો આવી શાળાઓ સ્થાપવાનો મૂળ હેતુ જ નિષ્ફળ જાય.







































