ચીને તેના સૌથી શકિતશાળી લશ્કરી નેતાઓમાંના એક સામે તપાસ શરૂ કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, દેશની અંદર અને બહાર બંને જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી છે, કારણ કે આરોપો ભ્રષ્ટાચારથી લઈને સંવેદનશીલ પરમાણુ શાસ્ત્રો નો ડેટા અમેરિકાને લીક કરવા સુધીના છે. ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનના વાઇસ ચેરમેન અને પીપલ્સ લિબરેશન આર્મીમાં સર્વોચ્ચ ક્રમાંકિત ગણવેશધારી અધિકારી જનરલ ઝાંગ યુક્સયા સામે તપાસ શરૂ કરવામાં આવી છે. ચીનના રાષ્ટીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે “શિસ્ત અને કાયદાના ગંભીર ઉલ્લંઘન” માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. મંત્રાલયે વધુ વિગતો આપી નથી.
ધ વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા આ આરોપો સૌપ્રથમ અહેવાલ આપવામાં આવ્યા હતા, જેમાં વરિષ્ઠ ચીની લશ્કરી અધિકારીઓ માટે બંધ બારણે, ઉચ્ચ સ્તરીય આંતરિક બ્રીફિંગથી પરિચિત લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, ઝાંગ પર ચીનના પરમાણુ શાસ્ત્રો કાર્યક્રમ સંબંધિત “મુખ્ય તકનીકી ડેટા” યુએસને લીક કરવાનો અને પ્રમોશનના બદલામાં મોટી લાંચ સ્વીકારવાનો આરોપ છે.
ધ વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, આ આંતરિક બ્રીફિંગ સંરક્ષણ મંત્રાલયે જાહેરમાં તપાસની જાહેરાત કરી તે પહેલાં થોડા સમય પહેલા થઈ હતી. સમાચાર અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રીફિંગમાં રાજકીય જૂથો બનાવવા, સેન્ટ્રલ મિલિટરી કમિશનમાં સત્તાનો દુરુપયોગ અને લશ્કરી ખરીદીમાં ભ્રષ્ટ પ્રથાઓનો ઉપયોગ સહિતના અનેક આરોપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ચીની અધિકારીઓએ પરમાણુ કાર્યક્રમ સંબંધિત કોઈપણ આરોપોની જાહેરમાં પુષ્ટિ કરી નથી. જર્નલને આપેલા એક નિવેદનમાં, વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઝાંગની તપાસ કરવાનો નિર્ણય કમ્યુનિસ્ટ પાર્ટીના “ભ્રષ્ટાચાર સામે લડવા માટે સંપૂર્ણ કવરેજ, શૂન્ય-સહિષ્ણુતા અભિગમ” ને પ્રતિબિંબિત કરે છે. ૭૫ વર્ષીય ઝાંગને લાંબા સમયથી રાષ્ટ્રપતિ શી જિનપિંગના વફાદાર સાથી અને પીએલએના વરિષ્ઠ કમાન્ડમાં મુખ્ય વ્યકિત માનવામાં આવતા હતા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેમનું અચાનક પતન તાજેતરના દાયકાઓમાં ટોચના જનરલ સામેના સૌથી નાટકીય પગલાંઓમાંનું એક છે.
જર્નલના અહેવાલની સાથે, સોશિયલ મીડિયા પર નાટકીય દાવાઓ પણ ઉભરી આવ્યા છે જે શી જિનપિંગ સામે લશ્કરી બળવાના પ્રયાસનો સંકેત આપે છે. આ દાવાઓની પુષ્ટિ ચીની અધિકારીઓ અથવા પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ દ્વારા કરવામાં આવી નથી. એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટટ્યૂટ ખાતે સેન્ટર ફોર ચાઇના એનાલિસિસમાં ચીની રાજકારણના ફેલો નીલ થોમસ, સૌથી વિસ્ફોટક આરોપો પર શંકા વ્યક્ત કરે છે. થોમસે પ્રશ્ન કર્યો કે ચીનના પરમાણુ સ્થાપનોની આસપાસની કડક સુરક્ષા અને વરિષ્ઠ પીએલએ જનરલોની ભારે દેખરેખને ધ્યાનમાં રાખીને, ઝાંગ પરમાણુ શાસ્ત્રો ના રહસ્યો કેવી રીતે ઍક્સેસ કરી શકે છે અને ટ્રાન્સફર કરી શકે છે.
વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો છે કે ઝાંગની તપાસ ચીનની લશ્કરી ખરીદી પ્રણાલીમાં ભ્રષ્ટાચાર સામેના મોટા પગલાં સાથે જાડાયેલી છે. તે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન લી શાંગફુના અગાઉના પતન સાથે પણ જાડાયેલી છે, જેમને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ઝાંગ હેઠળ બઢતી પામેલા અધિકારીઓની પણ તપાસ ચાલી રહી હોવાનું કહેવાય છે. અધિકારીઓએ આ કેસમાં સામેલ લોકો પાસેથી મોબાઇલ ઉપકરણો જપ્ત કર્યા છે. સશાસ્ત્રો દળોને ફરીથી મજબૂત બનાવવા માટે શી જિનપિંગના વ્યાપક અભિયાન વચ્ચે આ તપાસ કરવામાં આવી છે.










































