અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલવે સુવિધાની માંગને લઈને ધારી પત્રકાર સંઘ દ્વારા ‘મિશન બ્રોડગેજ’ નામે બિનરાજકીય અભિયાન હાથ ધરાયું છે. આ અંતર્ગત સાંસદ ભરતભાઈ સુતરીયા સાથે વધુ એક બેઠક યોજી ધારાસભ્ય જે.વી. કાકડીયા, માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા સહિતના આગેવાનો અને જાગૃત નાગરિકોને સાથે રાખી રજૂઆત કરવામાં આવશે. સાંસદ સુતરીયાએ અગાઉ લોકસભામાં અમરેલીથી ધારી બ્રોડગેજ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હોવાનું સંસદીય રેકોર્ડમાં નોંધાયું છે. ધારી, ચલાલા અને વિસાવદર સહિતના વિસ્તારોને બ્રોડગેજ કનેક્ટિવિટી મળે તો અમદાવાદ, સુરત અને મુંબઈ તરફની રેલવે કનેક્ટિવિટી તથા વેપાર-ઉદ્યોગને લાભ મળી શકે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે. અમરેલી-ધારી-વિસાવદર મીટરગેજ નેટવર્કનો મોટો હિસ્સો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતો હોવાથી પર્યાવરણીય મંજૂરીનો મુદ્દો પણ મહત્વનો છે.