અમરેલી બિલ્ડર્સ એસોસિએશનની જનરલ મીટિંગ ખોડલધામ પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ હિંમતભાઈ સોખીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં બાંધકામ મટિરિયલ્સ અને મજૂરી ખર્ચમાં થયેલા અસહ્ય વધારાને પગલે અમરેલીમાં બાંધકામ પ્રોજેક્ટ્સની વેચાણ કિંમતમાં ૧૫ ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા ગુજરાત ગ્રામીણ બેંક ભાવનગરના રિજિયોનલ મેનેજર સુભાજીત ચંદા સહિતના ઉચ્ચ અધિકારીઓએ વિવિધ લોન અંગે માર્ગદર્શન આપી માત્ર ૮ દિવસમાં લોન મંજૂર કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ઉપપ્રમુખ રાજુભાઈ શિપાણી, દીપકભાઈ મહેતા અને સંજયભાઈ વાગદડીયા સહિત એસોસિએશનના હોદ્દેદારો તેમજ બેંકનો સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. અંતમાં ભોજન સમારંભ યોજાયો હતો અને સંચાલન સંજયભાઈ વાગદડીયાએ કર્યું હતું.










































