અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ ભારતરત્ન ડા. બાબાસાહેબ આંબેડકરના ૬૯મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શ્રદ્ધાસુમન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પક્ષના વરિષ્ઠ આગેવાનોએ ઉપસ્થિત રહી બાબાસાહેબના જીવન અને કાર્યોને યાદ કર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ ઉપસ્થિત મહેમાનો અને કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું અને ભારત રાષ્ટ્ર માટે બાબાસાહેબના યોગદાનને મહત્વનું ગણાવી શાબ્દિક ભાવાંજલિ અર્પણ કરી હતી. બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા ભાજપ કાર્યાલયથી ડા. આંબેડકરની પ્રતિમા સુધી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પદયાત્રા કરી હતી અને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.







































