દશેરા અને દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય ચીજો મળી રહે તે માટે અમરેલી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મીઠાઈ, ફરસાણ સહિતના ખાદ્ય ચીજોના ઉત્પાદક એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ ખાદ્ય ચીજોના કુલ ૩૧ નમૂના લઈને પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. જેમાં રાજુલામાંથી ૧૦, સાવરકુંડલામાંથી ૬, બાબરામાંથી ૪, બગસરામાંથી ૨, કુંકાવાવ-વડીયામાંથી ૨ અને અમરેલી શહેરમાંથી ૭ નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓમાં જલેબી, ફાફડા, ગાંઠિયા, લાડુ, પેંડા, દૂધ, પનીર, સિંગતેલ, માવો અને ઘી સહિતની ચીજોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને આરોગ્યપ્રદ વાતાવરણમાં ખાદ્ય ચીજોનું ઉત્પાદન કરવા સૂચના અપાઈ હતી. પ્રયોગશાળાના અહેવાલ બાદ ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ, ૨૦૦૬ હેઠળ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.