જિલ્લાના જાળીયા ગામે એક સગીર વયના કિશોરને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવી હતી. દીકરીની છેડતીની આશંકા રાખીને બે શખ્સોએ આ હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું હતું. જાળીયા ગામે રહેતા મોહનભાઈ ખોડાભાઈ સોલંકી (ઉ.વ.૬૫)એ વિલાસબેન ટીકુભાઈ તથા જાનાબેન ગોવિંદભાઈ(સાસુ) સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, અમરેલીના જાળીયા ગામે રહેતા ફરિયાદીની દીકરી કંચનબેનનો ૧૬ વર્ષીય પુત્ર વિશ્વાસ જ્યારે ગામમાં હતો, ત્યારે આરોપીઓએ તેને આંતર્યો હતો.
મુખ્ય આરોપીએ વિશ્વાસ પર એવો આક્ષેપ કર્યો હતો કે, ‘તું મારી દીકરી સામે કેમ જુએ છે અને તેને કેમ હેરાન કરે છે?’ આ બાબતે ઉગ્ર બોલાચાલી કરીને આરોપીએ કિશોરને ચેતવણી આપતા કહ્યું હતું કે, ‘તું ધ્યાન રાખજે.’ ત્યારબાદ મામલો બિચક્યો હતો અને બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી કિશોરને ગંદી ગાળો આપી હતી. આરોપીઓએ ઉશ્કેરાઈને ૧૬ વર્ષના વિશ્વાસને હાથ અને પગ વડે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. એટલું જ નહીં, હુમલાખોરોએ જતી વખતે કિશોરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ મનિષકુમાર ધીરૂભાઇ જોષી વધુ તપાસ કરી રહ્યા છે.








































