અમરેલી તાલુકાના જાળીયા ગામે એક મહિલાને તેની જ દુકાને જઈને ચાર શખ્સોએ બેફામ ગાળો આપી, માર મારી અને સ્ત્રી ગરિમાનો ભંગ કર્યાની શરમજનક ઘટના સામે આવી હતી. દીકરીની છેડતી અંગે સમજાવવા ગયેલી મહિલા પર શખ્સોએ હિંસક હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે વિલાસબેન વિક્રમભાઇ ચાવડા (ઉ.વ.૩૦)એ સંજયભાઇ મોહનભાઇ સોલંકી, મનિષાબેન સંજયભાઇ સોલંકી, મોહનભાઇ ખોડાભાઇ સોલંકી તથા જયાબેન મોહનભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી.મળતી માહિતી મુજબ, ફરિયાદી મહિલાની દીકરીને વિશુ નામનો એક માનસિક અસ્થિર કિશોર અવારનવાર કનડગત કરી હેરાન કરતો હતો. આ બાબતે મહિલા કિશોરને ઠપકો આપી સમજાવવા માટે ગઈ હતી. જેની અદાવત રાખીને આરોપીઓએ મહિલા પર હુમલો કર્યો હતો. ફરિયાદી મહિલા જ્યારે પોતાની દુકાને હતી, ત્યારે આરોપી સંજયભાઈ મોહનભાઈ સોલંકી ત્યાં ધસી આવ્યો હતો અને બેફામ ગાળો આપવા લાગ્યો હતો. ઉશ્કેરાયેલા આરોપીએ મહિલાનું બાવડું પકડી તેને દુકાનમાંથી બહાર ખેંચી કાઢી હતી અને તેનો ચોટલો પકડીને સ્ત્રી ગરિમાનો ભંગ કર્યો હતો. આ દરમિયાન અન્ય આરોપીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. ચારેય શખ્સોએ એકસંપ થઈને મહિલાને ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો.








































