અમરેલી ના ગાવડકા નજીક શનિવારના રોજ બપોરના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં બગસરાના એક જ પરિવારના માતા અને પુત્રએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અને એસ.ટી. બસ વચ્ચેની ટક્કર બાદ કાર પડીકું વળી ગઈ હોય તેવી હાલતમાં જોવા મળી હતી. આ ઘટનામાં ૨૬ વર્ષીય યુવાન પુત્ર અને તેની ૫૦ વર્ષીય માતાનું કરૂણ મોત થતા સમગ્ર બગસરા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ઘટનાની વિગતવાર માહિતી મુજબ, બગસરાના બંગલી ચોક વિસ્તારમાં સથવારાના ચોરા પાસે રહેતા અભય મુકેશભાઈ હીરપરા પોતાના પિતરાઈ ભાઈ હીતનું ધોરણ ૯નું પરિણામ લેવા માટે અમરેલી આવ્યા હતા. હીત અમરેલીની વિદ્યાસભામાં અભ્યાસ કરતો હોવાથી અભય તેની માતા કલ્પનાબેન અને હીતને લઈને પોતાના મિત્રની કાર માંગીને અમરેલી પહોંચ્યા હતા. શનિવારે બપોરે અંદાજે ૧ વાગ્યાની આસપાસ જ્યારે તેઓ પરિણામ લઈને બગસરા પરત ફરી રહ્યા હતા, ત્યારે ગાવડકા ચોકડી પસાર કર્યા બાદ તુરંત જ સામેથી આવતી માંગરોળ-અમરેલી રૂટની એસ.ટી. બસ સાથે તેમની કારનો જોરદાર અકસ્માત થયો હતો.અકસ્માત એટલો પ્રચંડ હતો કે કાર ચલાવી રહેલા અભય હીરપરાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તુરંત દોડી આવી બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ કારમાંથી માતા-પુત્રને બહાર કાઢવા માટે કારના પતરા ચીરવાની ફરજ પડી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત કલ્પનાબેનને તાત્કાલિક અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ તેમણે પણ દમ તોડી દીધો હતો. બીજી તરફ, પાછળની સીટ પર બેઠેલા ૧૫ વર્ષીય હીત અતુલકુમાર હીરપરાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેનો ચમત્કારિક બચાવ થયો હતો. એસ.ટી. બસના કંડકટરના જણાવ્યા અનુસાર, કાર અચાનક સીધી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતને પગલે અમરેલી તાલુકા પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. એક તરફ પુત્રના સારા પરિણામની ખુશી હતી અને બીજી તરફ કાળનો પંજો આ પરિવાર પર ત્રાટક્યો, જેના કારણે બગસરામાં રહેતા હીરપરા પરિવાર પર આભ ફાટી પડ્‌યું છે. પોતાના મિત્રની કાર લઈને ગયેલા યુવાન પુત્ર અને માતાના અંતિમ સમાચાર મળતા જ જ્ઞાતિજનો અને સ્નેહીજનોમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે.