અમદાવાદમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા અને સાયબર ફ્રોડના દેશવ્યાપી નેટવર્કનો ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નિકોલ વિસ્તારમાંથી આઇપીએલ ક્રિકેટ સટ્ટા રેકેટ ઝડપાયા બાદ શરૂ થયેલી તપાસમાં હવે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે અને આ મામલે અત્યાર સુધીમાં કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરી કુલ ૪૭ લોકો સામે ગુનો નોંધાયો છે.
વિગતે વાત કરીએ તો,એસએમસી (સ્ટેટ મોનિટરિંગ સેલ)ની ટીમે અમદાવાદ નિકોલના સૃષ્ટિ લેવિસ ફ્લેટ ખાતે દરોડો પાડી આરોપી વિજયકુમાર કરડાણીની ધરપકડ કરી હતી. પોલીસે મોબાઇલ, ટેબલેટ, ટીવી, બેંક કાર્ડ, ચેકબુક અને કાર સહિત રૂ. ૧૫.૭૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાદમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી વિજયકુમારના ૨૬ મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેની હાલ સુધીની પૂછપરછ અને તપાસમાં હચમચાવતા ખુલાસા સાથે ઓનલાઈન ક્રિકેટ સટ્ટા અને સાયબર ફ્રોડના દેશવ્યાપી નેટવર્કનો મોટો પર્દાફાશ થયો છે.
આ મામલે તપાસમાં સામે આવ્યું કે, વોટ્‌સએપ ગ્રુપ, વર્ચ્યુઅલ નંબર અને ખાસ સટ્ટાબાજી આઈડી મારફતે આ સમગ્ર નેટવર્ક સંચાલિત થતું હતું. આરોપી વિજયકુમાર કરડાણી મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની આઇપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટાબાજી ચલાવતો હતો. તેનું દિલ્હી કનેક્શન પણ સામે આવ્યું છે, જ્યાંથી રાજવીરસિંહ નામના વ્યક્તિ મારફતે સટ્ટાની આઈડી આપવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર કૌભાંડમાં હાર-જીતના નાણાં ટ્રાન્સફર કરવા માટે ‘મ્યુલ એકાઉન્ટ્‌સ’નો ઉપયોગ થતો હતો, જેમાં પત્ની, સગા-સંબંધીઓ અને અન્ય લોકોના બેંક ખાતાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે ખુલાસો થતા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર અશરફખાન બલોચની ટીમે વધુ તપાસ હાથ ધરી હતી અને નારોલ વિસ્તારમાંથી વધુ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આમ હાલ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય વોન્ટેડ રાજવીરસિંહ સહિત કુલ ૪૭ લોકો સામે ગુનો નોંધાયો છે.
પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ, લેપટોપ, ટીવી અને સેટઅપ બોક્સ સહિત કુલ રૂ. ૧૫.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં આરોપીઓના વોટ્‌સએપ ગ્રુપમાંથી ૨૧૦૦થી વધુ બેંક એકાઉન્ટની વિગતો મળી આવી છે. તેમાંથી ૩૫૪ જેટલા ખાતાઓ દેશભરની વિવિધ એજન્સીઓ દ્વારા ફ્રીઝ કરાયેલા હોવાનું સામે આવ્યું છે. દ્ગઝ્રઝ્રઇઁ પોર્ટલ પર નોંધાયેલી ૫૪૨ ફરિયાદો અને આ બેંક ખાતાઓ વચ્ચે કનેક્શન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસ મુજબ આ મ્યુલ એકાઉન્ટ્‌સનો ઉપયોગ કરીને દેશભરમાં રૂ. ૩૨૪.૫૮ કરોડથી વધુની સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સાથે આ કૌભાંડના તાર દુબઈ સુધી જાડાયેલા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. દુબઈ સ્થિત ‘યુઆન’ નામના શખ્સે આરોપી આકાશ નાયકને ૪૦ ટકા કમિશનના આધારે આ નેટવર્કની ફ્રેન્ચાઇઝી આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.એસએમસીદ્વારા હાલ હવાલા, આંતરરાષ્ટ્રીય નાણાં ટ્રાન્સફર અને દેશવ્યાપી ઓનલાઈન ક્રિકેટ સટ્ટા-સાયબર ફ્રોડ નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ કરવામાં આવી છે.