અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે રિક્ષાચાલકે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. ટ્યુશન ક્લાસ જવા નીકળેલી સગીરાની રિક્ષાચાલકે ઓઢવ જડેશ્વર વનના ગેટ નજીક રિક્ષા રોકીને છેડતી કરી હતી. જોકે, હિંમત દાખવી સગીરાએ રિક્ષાચાલકને ધક્કો મારી તેની ચુંગાલમાંથી મુક્ત થઈ બીજી રિક્ષા પકડી ક્લાસ પહોંચી ગઈ હતી. ક્લાસમાં રડતી બાળકીને જોઈ શિક્ષિકાએ માતાને બોલાવતાં સમગ્ર ઘટનાના જણાવી હતી. આ અંગે સગીરાની માતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી રિક્ષાચાલકની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, વસ્ત્રલમાં રહેતી અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી સગીરા ૨૬મી સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરેથી નિયત સમયે ટ્યુશન ક્લાસ જવા નીકળી હતી. આ દરમિયાન કલ્પેશ પટેલ નામના ચાલકની રિક્ષામાં બેઠી હતી. કલ્પેશે રિક્ષા સીધી ક્લાસ તરફ લઈ જવાના બદલે ઓઢવ જડેશ્વર વનના ગેટ પાસે લઈ ગયો હતો અને વાહન ઊભું રાખીને સગીરાની છેડતી કરવા લાગ્યો હતો. આ ઘટનાથી ડરી જવાના બદલે સગીરાએ હિંમત દાખવીને રિક્ષાચાલક કલ્પેશને જોરથી ધક્કો માર્યો હતો. ત્યારબાદ સગીરા રિક્ષામાંથી નીચે ઊતરીને ભાગી ગઈ હતી અને અન્ય એક રિક્ષા પકડીને ટ્યુશન ક્લાસ પહોંચી હતી.
સગીરા ક્લાસ પહોંચી ત્યારે રડતી હોવાથી શિક્ષિકાનું ધ્યાન ગયું હતું. શિક્ષિકાએ તુરંત તેની માતાને ફોન કરીને ક્લાસ પર બોલાવ્યા હતા. માતાએ પૂછપરછ કરતાં પુત્રીએ પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી. દીકરી સાથે બનેલી ગંભીર ઘટના અંગે માતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી રિક્ષાચાલક કલ્પેશ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








































