શિક્ષણ અને કૌશલ્યના સમન્વય સાથે અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાની વાવડી રોડ પ્રાથમિક શાળાએ રાજ્ય સ્તરે ઝળકવાની તૈયારી કરી છે. GCERT ગાંધીનગર પ્રેરિત ‘નિપુણ ભારત’ મિશન અંતર્ગત યોજાયેલ વાર્તા કથન સ્પર્ધામાં શાળાની નાની એવી વિદ્યાર્થિનીએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ ૨૦૨૫-૨૬ ની ‘ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તાકથન સ્પર્ધા’ તારીખ ૪-૨-૨૦૨૬ ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), દેવભૂમિ દ્વારકા ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોન-૨ ના વિવિધ જિલ્લાના પ્રતિભાશાળી બાળકોએ ભાગ લીધો હતો. વાવડી રોડ ગામની શહીદ વીર વિકાસ ઠુંમર પ્રાથમિક શાળામાં ધોરણ-૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની બાબરીયા હેન્સી સંદીપભાઈએ પોતાની મધુર શૈલીમાં વાર્તા રજૂ કરી સમગ્ર ઝોનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. હેન્સીની આ અદ્ભુત કલાએ નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા. હેન્સીએ શાળા સહિત સમગ્ર અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે. ઝોન કક્ષાએ વિજેતા થયા બાદ હવે હેન્સી બાબરીયા આગામી સમયમાં યોજાનારી રાજ્ય કક્ષાની વાર્તા સ્પર્ધામાં સમગ્ર સૌરાષ્ટ્ર ઝોન-૨ વતી પ્રતિનિધિત્વ કરશે. હેન્સીની આ સફળતા પાછળ શાળાના આચાર્ય અને માર્ગદર્શક શિક્ષક ભાવનાબેન ગજેરાનું સચોટ માર્ગદર્શન અને પ્રોત્સાહન રહેલું છે.









































