વડીયાના બાંભણીયા ગામના પુલ પર પશુ ભટકાવવા બાબતે માથાકૂટ થઈ હતી. બંને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી. ધીરજલાલ નનુભાઇ પાનસુરીયા (ઉ.વ.૫૨) એ રસીકભાઇ હરીભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાની ફોરવ્હીલ ગાડી લઇ દેરડી ગામે જતા હોય તે વખતે બાંભણીયા ગામના પુલ પર આરોપી તેમની ભેંસો લઇને જતા હોય તે વખતે એક ભેંસ ફરીયાદીની ફોરવ્હીલ કાર સાથે ભટકાઈ હતી. જેથી તેમણે આરોપીને તેમની ભેંસો રોડની સાઇડમાં ચલાવવાનુ કહેતા સારૂ નહોતું લાગ્યું અને જેમ ફાવે તેમ ગાળો આપી તેના હાથમાં રહેલ લાકડીનો એક ઘા ડાબા પગના ગોઠણના ભાગે મારી મુઢ ઇજા કરી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ રસીકભાઇ હરીભાઇ ચાવડા (ઉ.વ.૫૦) એ બાલુભાઇ નાનુભાઇ પાનસુરીયા તથા રઘાભાઇ બાલુભાઇ પાનસુરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ પોતાના માલઢોર લઇને ગામને પાદરે જતા હોય તે વખતે આરોપી પોતાનું બાઈક લઇ ત્યાંથી નીકળ્યા હતા. આ વખતે માલઢોર આડા પડતા બાઈક ઉભું રાખી તેમને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ ગાલ પર એક લાફો મારી જતા રહ્યા હતા. જે બાદ છરી કાઢી તેમને પેટના ભાગે મારી દઇ ઇજા કરી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી પી ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.