રાજુલામાં શહેરની ધર્મપ્રેમી જનતા દ્વારા એક મહિના કરતા ઓછા ગાળા માં બે ભાગવત સપ્તાહનું આયોજન થવા જઈ રહ્યું છે,જે તકે રાજુલાની જનતા શ્રધ્ધાભાવ સાથે ભક્તિમય રંગે રંગાશે. જોગાનુજોગ, આ બંને ધાર્મિક આયોજનો રાજુલાના પ્રસિધ્ધ મહાદેવ મંદિરો ના લાભાર્થે કરવામાં આવેલ છે. મનમંદિર રેસિડેન્સી તથા સંસ્કાર સોસાયટીમાં આવેલ મહાકાલેશ્વર મંદિર તથા દુર્લભ નગરમાં આવેલ દુર્લભેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આ ભાગવત કથાઓ યોજાશે. બંને કથામાં વિસ્તારના જાણીતા અને વિદ્વાન ભાગવત કથાકાર શ્રી દિલીપદાદા ઓઝા વ્યાસપીઠે બિરાજમાન થઈ પોતાની સંગીતમય શૈલીમાં ભાગવતનું રસપાન કરાવશે. પ્રથમ કથાનો પ્રારંભ ૧૦ એપ્રિલથી ૧૬ એપ્રિલ દરમિયાન મનમંદિર રેસિડેન્સીમાં આવેલા મહાકાલેશ્વર મંદિર પરિસરમાં, જ્યારે બીજી કથા દુર્લભેશ્વર મહાદેવ મંદિરે મે મહિના ની તારીખ ૨ થી ૮ દરમિયાન આયોજિત થશે. આ પ્રસંગે શાસ્ત્રી દિલીપદાદાએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક આયોજનો રાજુલાના રહેવાસીઓમાં મહાદેવ પ્રત્યેની ભક્તિ અને સનાતન સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ વધુ મજબૂત બનાવે છે.








































