ધારી શહેરની મેઈન બજાર, જ્યાં દિવસભરમાં હજારો ગ્રાહકો ખરીદી કરવા આવે છે, ત્યાં ગંદકી અને અસુવિધાઓના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ અને ચીફ ઓફિસરની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે તેઓ ઓફિસમાં બેસીને માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરીને સંતોષ માને છે અને લોકોને પડતી અસુવિધાઓ બાબતે તેમને જરા પણ પરવાહ નથી. ધારી નગરપાલિકા જાણે કુંભકર્ણની જેમ ધોર નિંદ્રા માણી રહી હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. એક તરફ ‘સ્વચ્છ ગુજરાત’ અને ‘રળિયામણું ગુજરાત’ની જાહેરાતો કરવામાં આવે છે, પણ આ છે ખરી હકીકત. સ્થાનિક રાજકીય આગેવાનો, ભલે તે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના હોય, જેમને આગામી નગરપાલિકાની ચૂંટણી લડવી છે તેમ છતાં તેઓ પણ લોકોની મુશ્કેલીઓ વિશે જાણતાં હોવા છતાં આંખ આડા કાન કરે છે. શહેરીજનોમાં આક્રોશ છે કે, પ્રજાના પૈસે, પ્રજાના વેરા અને ટેક્સ થકી અધિકારીઓ કામ કરવાની દાનત નથી રાખતા, જ્યારે રાજકીય આગેવાનો, અધિકારીઓ સાથે મિલીભગત રાખીને તેમને છાવરી રહ્યા છે. લોકોના મુખે એવી વાત ચર્ચાઈ રહી છે કે, “શહેરીજનોને બાનમાં રાખો, શહેરીજનોને અસુવિધાઓ આપો, કોના બાપની દિવાળી છે કે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે!” જોકે, હવે શહેરીજનો જાગી ગયા છે. ધારી નગરપાલિકાની બેદરકારીને સહન કરનાર લોકો સ્વયંભૂ રીતે પાલિકા ઓફિસે એકઠા થઈને વ્યાજબી માંગણીઓ સાથે આવેદન આપવા તૈયાર થઈ રહ્યા છે.