કચ્છના ગાંધીધામમાં યુવતીની હત્યાના ચકચારી કેસમાં પોલીસે આરોપી ગૌરવ પટેલને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે. સોનલનગર વિસ્તારમાંથી મિનાક્ષીબેનનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.૨૦ ઓગસ્ટના રોજ સવારે સોનલનગરમાં મિનાક્ષીબેન લાલસિંહ પરિહારના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં મોત શંકાસ્પદ લાગતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું.
મૃતક મિનાક્ષી મૂળ મધ્યપ્રદેશની હતી અને ગાંધીધામમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. તેના પિતા લાલસિંહે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન ગૌરવ પટેલનું નામ સામે આવ્યું હતું. પોલીસે આરોપી સામે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગૌરવ મિનાક્ષીના ચારિત્ર્ય અંગે શંકા રાખતો હતો. આ શંકાના કારણે બંને વચ્ચે વિવાદ થયો હોવાની માહિતી સામે આવી છે.ઘટના બાદ ગૌરવ મધ્યપ્રદેશ તરફ ભાગી ગયો હતો. પોલીસ ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશમાં કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે મિનાક્ષીનું ગળું પટ્ટા વડે દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ વધુ પુરાવા એકત્ર કરી રહી છે.








































