ટી.પી. અને એમ.ટી. ગાંધ ગર્લ્સ હાઈસ્કૂલમાં ગુરુપૂર્ણિમાના પવિત્ર તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શાળાની વિદ્યાર્થીનીઓએ ગુરુજનો પ્રત્યે આદર અને શ્રધ્ધા વ્યક્ત કરી આજના દિવસનું મહત્વ વધાર્યું હતું. વિદ્યાર્થીનીઓએ આચાર્ય તથા તમામ સ્ટાફગણને કુમકુમ તિલક કરી, ચોખા લગાવી અને શુભેચ્છા પાઠવી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે શાળામાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને ગીત સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનોએ પોતાની ક્ષમતા અનુસાર ખૂબ જ ઉત્સાહપૂર્વક આ તમામ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ગુરુજનોએ પણ ઉત્સાહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે ઈનામો આપી તેમના જુસ્સાને બિરદાવ્યો હતો. આ પવિત્ર પ્રસંગે શાળાના નિયામક અરુણાબેન માલાણી, આચાર્યા હિનાબેન ગોહિલ તથા સમગ્ર સ્ટાફગણે વિદ્યાર્થીનીઓ દ્વારા અપાયેલી શુભેચ્છાઓનો સ્વીકાર કર્યો હતો અને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી.