ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ આગામી ૧ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં પણ નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ, સુરક્ષા, શિક્ષણ, સ્વાવલંબન અને આરોગ્ય અંગે જનજાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજાશે. સપ્તાહ દરમિયાન દરરોજ અલગ અલગ થીમ મુજબ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે. ૧ ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, ૩ ઓગસ્ટે બેટી બચાવો-બેટી પઢાવો દિવસ, ૪ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, ૫ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, ૬ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, ૭ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અને ૮ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે.







































