અમરેલી જિલ્લાના સરંભડા ગામે ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે અંદાજે રૂ. ૭ કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો માટે વર્ષોથી માથાના દુખાવા સમાન બનેલી યાતાયાતની સમસ્યાના ઉકેલ માટે રૂ. ૬ કરોડના ખર્ચે નવનિર્મિત મેજર બ્રિજનું મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજના નિર્માણથી સરંભડા સહિત આસપાસના વિસ્તારોમાં પરિવહન અત્યંત સરળ અને સુરક્ષિત બનશે.આ સાથે જ ગામમાં સ્થાનિક વહીવટી માળખાને સુદ્રઢ બનાવવા રૂ. ૨૫ લાખના ખર્ચે તૈયાર થનારા નવા ગ્રામ પંચાયત ભવન અને રૂ. ૬૦ લાખના ખર્ચે આકાર પામનાર સુવિધા પથનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર છેવાડાના ગામડાઓ સુધી સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે અમરેલી જિલ્લામાં કૃષિ કલ્યાણ અને જળ વ્યવસ્થાપન માટે ખાસ આયોજનો હાથ ધરાયા છે. આગામી બે વર્ષમાં વડીયા-કુકાવાવ અને અમરેલી વિધાનસભાના તમામ ૧૧૫ ગામોમાં તળાવો ઊંડા કરી જળસંચયનું ભગીરથ કાર્ય કરવામાં આવશે. સરંભડામાં પણ જળ અભિયાન અંતર્ગત ૬૦૦ કલાક સુધી તળાવ ઊંડું કરવાની કામગીરી હાથ ધરાશે. મંત્રીએ ભવિષ્યમાં નવી પ્રાથમિક શાળાના નિર્માણની પણ ખાતરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શરદભાઈ લાખાણી અને અગ્રણી મોટાભાઈ સવંતે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉત્સાહી ગ્રામજનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ગ્રામીણ એકતા અને સામાજિક સમરસતાના પ્રતીક સમાન બની રહ્યો હતો.






































