રાજકોટ ગ્રામ્યમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે પોલીસની ઝુંબેશ વચ્ચે ગઈકાલે એક જ દિવસમાં ચાર અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરી ૧.૩૯૨ કિલોગ્રામ ગાંજા જપ્ત કરવામાં આવ્યો છે. ગોંડલ બી ડિવિઝન, શાપર-વેરાવળ, પડધરી અને ઉપલેટા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરની કાર્યવાહી સહિત રાજકોટ ગ્રામ્ય પોલીસે વર્ષ ૨૦૨૬ દરમિયાન એનડીપીએસ એક્ટ હેઠળ કુલ ૫૧ કેસ નોંધ્યા છે, જેમાં ૧૦૬ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોવાનો પોલીસનો દાવો છે. સમગ્ર વર્ષ દરમિયાન રૂ.૫ કરોડથી વધુ કિંમતનો નશીલો જથ્થો જપ્ત કરાયો છે.
રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ‘સે નો ટુ ડ્રગ્સ’ અભિયાન અંતર્ગત જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ, સંગ્રહ અને હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલે ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી કાર્યવાહીમાં જપ્ત કરાયેલા ૧ કિલો ૩૯૨ ગ્રામ ગાંજાની અંદાજિત કિંમત રૂ.૫૬,૫૦૦ હોવાનું સામે આવ્યું છે.
વર્ષ ૨૦૨૬ દરમિયાન નોંધાયેલા એનડીપીએસના ૫૧ ગુનાઓમાં પોલીસ દ્વારા ગાંજાનો કુલ ૧,૦૭૮.૬૫૨ કિલોગ્રામ જથ્થો, ૩૦૮.૯૩૦ ગ્રામ એમડી ડ્રગ્સ તથા ટ્રામાડોલ ટેબ્લેટ સહિતના નશીલા પદાર્થો કબજે કરવામાં આવ્યા છે. ડ્રગ્સના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા ૧૦ આરોપીઓ સામે પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી માટે દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, એનડીપીએસ હેઠળ જપ્ત કરાયેલા ૩૩૬.૦૭૩ કિલોગ્રામ ગાંજા સહિત મેફેડ્રોન, ઓપિયમ ડેરિવેટિવ્સ અને પોપીસ્ટ્રોનો જથ્થો નાશ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
ડ્રગ્સ સામેની ઝુંબેશમાં નશાના બંધાણીઓને નશામુક્ત બનાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા આરોપીઓની ગેરકાયદેસર મિલકતો અંગે પણ તપાસ ચાલી રહી છે અને આવી મિલકતો સામે પુરાવા મળ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નશો છોડવા ઇચ્છતા લોકોને પોલીસ દ્વારા કાઉન્સેલિંગ સહિતની મદદ પૂરી પાડવામાં આવશે. હાલ ગ્રામ્ય પોલીસના કેન્દ્રમાં આઠ બંધાણીઓનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. પોલીસ દ્વારા ડ્રગ્સના ગેરકાયદે નેટવર્ક સામેની કાર્યવાહી આગામી દિવસોમાં પણ વધુ સઘન બનાવવામાં આવશે.









































