વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિરાસત ભી ઔર વિકાસ ભી’ના સંકલ્પને સાકાર કરવા અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્ય કૌશિક વેકરિયાના સતત પ્રયાસોથી અમરેલી શહેરની મધ્યમાં આવેલી રાજાશાહી વખતની ઐતિહાસિક ધરોહર ‘ગઢની રાંગ’ના રીનોવેશન અને પ્રવાસન સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૨ કરોડની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. અગાઉ ટાવર ચોક અને રાજમહેલ જેવા હેરિટેજ સ્થળોના રીસ્ટોરેશન બાદ હવે ગઢની રાંગનો પણ મૂળ ઐતિહાસિક વારસો જાળવીને આધુનિક સુવિધાઓ સાથે વિકાસ કરાશે. ગઢની રાંગની સામે ઠેબી નદીના કિનારે બની રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સાથે આ વિકાસ થવાથી શહેરની શોભા વધશે. આ નિર્ણય બદલ કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રોજેક્ટથી તુલસીશ્યામ અને આંબરડી સફારી પાર્ક આવતા પ્રવાસીઓને નવું આકર્ષણ મળશે.






































