જૂનાગઢમાં ચાલી રહેલી પવિત્ર ગિરનાર લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા છે. આ દરમિયાન રાજ્યના સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયા મધરાત્રે ભવનાથ તળેટીથી બાઈક પર સવાર થઈ પરિક્રમાના અંતિમ પડાવ ગણાતા બોરદેવી મંદિર પહોંચ્યા હતા. ત્યાં તેમણે માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ પરિક્રમા માર્ગ પર આવેલા કર્મનાથ અન્નક્ષેત્રની મુલાકાત લઈ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને સેવાકીય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરત, બોટાદ, દ્વારકા સહિત વિવિધ જિલ્લાઓમાંથી આવી અન્નક્ષેત્ર ચલાવતા સેવાભાવી કાર્યકરો અને પંડાલોની મુલાકાત લીધી હતી. લાખો પરિક્રમાર્થીઓને પ્રેમપૂર્વક ભોજન કરાવતા સેવાર્થીઓની કામગીરીને બિરદાવી હતી. સાથે જ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પણ નોંધ લીધી હતી.








































