અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસ અપાવવાના નામે ૨૩ લોકો પાસેથી રૂ. ૫૦.૦૪ લાખ પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. મકાન અપાવવાની લાલચ આપી એડવાન્સ અને દસ્તાવેજાના નામે નાણાં ઉઘરાવ્યા બાદ મકાન ન આપતાં આખરે બે શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદના મેમનગર વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષથી ભાડે રહેતા નરેશ પ્રજાપતિએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. વર્ષ ૨૦૨૪માં તેમના પાડોશમાં રહેતા ધનરાજ યાદવ સાથે ઘર જેવા સંબંધો હતા. એપ્રિલ ૨૦૨૪માં ધનરાજ નરેશના ઘરે આવ્યા હતા અને ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસ અપાવી શકતા હોવાની વાત કરી હતી. સાથે જ મકાન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ કરાવતા હોવાનું જણાવ્યું હતું.
ધનરાજની વાતમાં વિશ્વાસ રાખીને નરેશ અને તેમની પત્ની વંદે માતરમ રોડ પર આવાસના મકાન જાવા ગયા હતા. ત્યાં તેમને ૧ બીએચકે મકાન પસંદ પડ્યું હતું. ધનરાજે મકાનની કિંમત અંદાજે રૂ. ૮ લાખ હોવાનું જણાવ્યું હતું. નરેશે વિચાર કરીને જવાબ આપવાનું કહ્યું, ત્યારે ધનરાજે પૈસાની જવાબદારી પોતાની રહેશે અને મકાન નહીં મળે તો એડવાન્સ પરત આપવાની ખાતરી આપી હતી.ત્યારબાદ ધનરાજે પોતાના મિત્ર નિકુંજ ભરવાડ સાથે મુલાકાત કરાવી હતી. નિકુંજ મકાન અપાવવાનું કામ કરતો હોવાનું જણાવી તમામ નાણાકીય વ્યવહાર ધનરાજ સાથે જ કરવા કહ્યું હતું.ધનરાજ પર વિશ્વાસ રાખીને નરેશે એપ્રિલ ૨૦૨૪માં રૂ. ૧,૧૬,૦૦૦ રોકડા આપ્યા હતા. ત્યારબાદ ૧૫ દિવસમાં મકાન લાગી ગયું હોવાનું જણાવી બ્લોક નંબર ૧૩માં મકાન ફાળવાયું હોવાની વાત કરી હતી. દસ્તાવેજ કરાવવાના નામે વધુ રૂ. ૭૩,૫૦૦ પણ પડાવી લીધા હતા. આમ, ફરિયાદ મુજબ નરેશ પાસેથી મકાનના એડવાન્સ અને દસ્તાવેજના નામે કુલ રૂ. ૨,૩૩,૫૦૦ લેવામાં આવ્યા હતા.
૨૩ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ધનરાજે નરેશને મકાનના દસ્તાવેજ કરાવવા ગોતા મામલતદાર કચેરી ખાતે બોલાવ્યો હતો. જાકે, સાંજ સુધી કોઈ કામગીરી થઈ ન હતી. દસ્તાવેજ કરનાર અધિકારીનાં માતાનું અવસાન થયું હોવાનું બહાનું આપીને બીજી તારીખ આપવાની વાત કરી હતી.ત્યારબાદ લાંબા સમય સુધી મકાનના દસ્તાવેજ અંગે કોઈ જવાબ મળ્યો ન હતો. નરેશે ધનરાજનો સંપર્ક કરતાં તે આગળથી માહિતી આપવાની અને રૂપિયા પરત કરવાની વાતો કરીને સમય પસાર કરતો રહ્યો હતો.
આખરે તપાસ કરતાં નરેશને જાણવા મળ્યું કે ધનરાજ યાદવ અને નિકુંજ ભરવાડે મળીને સરકારી આવાસ અપાવવાના નામે અન્ય લોકો પાસેથી પણ નાણાં લીધાં હતાં. ફરિયાદ મુજબ, નરેશ પાસેથી રૂ. ૨,૩૩,૫૦૦ અને અન્ય ૨૨ લોકો પાસેથી રૂ. ૪૭,૭૦,૫૦૦ મળી કુલ રૂ. ૫૦,૦૪,૦૦૦ ઉઘરાવાયા હતા. મકાન અપાવવાના નામે નાણાં લીધા છતાં કોઈને આવાસ ન આપતાં નરેશ પ્રજાપતિએ બંને શખસો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.