વિદેશ મંત્રી એસ. જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે ટોક્યોમાં ચોથા “૨+૨” સંવાદ માટે જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી અને સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે મુલાકાત કરી. બંને દેશોએ તેમની સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. બેઠક દરમિયાન, બંને દેશોએ દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ ટેકનોલોજી, લશ્કરી કવાયતો, સંરક્ષણ સાધનોનું ઉત્પાદન અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની પરિસ્થીતિ પર ચર્ચા કરી.
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે વૈશ્વીક વ્યવસ્થા અનેક આંચકાઓનો સામનો કરી રહી છે, જેમાં બે મોટા ચાલુ સંઘર્ષો, આર્થિક અસ્થિરતા અને કોવિડ-૧૯ રોગચાળા પછીના પરિણામોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ પરિસ્થિતિઓએ ઊર્જા, વેપાર, ખોરાક અને આરોગ્ય સુરક્ષા અંગે ચિંતાઓ ઉભી કરી છે. “એવા સમયે જ્યારે આપણે આ મોરચે પોતાને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, ત્યારે આપણા જેવી વિશ્વસનીય અને મજબૂત ભાગીદારી વધુ મહત્વપૂર્ણ બની જાય છે.” રશિયા-યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષની અસર તેમના સંબંધિત પ્રદેશોથી ઘણી આગળ વધી ગઈ છે, જે વૈશ્વીક ઉર્જા બજારો, દરિયાઈ વેપાર અને ખાદ્ય સુરક્ષાને અસર કરે છે.
મંત્રીએ કહ્યું, “અમે કનેકટીવિટી, સંસાધનો, સેવાઓ, સપ્લાય ચેઈન અને બજાર હિસ્સાનો હથિયાર તરીકે ઉપયોગ કરવાની વધતી જતી વૃત્તિ પર પણ ચર્ચા કરી.” તેમણે વધુમાં જણાવ્યું કે આમાંના ઘણા વિકાસની રાષ્ટ્રીય સુરક્ષા પર સીધી અસર પડે છે. જયશંકરે કહ્યું, “સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવી અને નવા વિકલ્પોની શોધ કરવી આ સંદર્ભમાં જાવી જાઈએ.” ગલ્ફ ક્ષેત્રમાં અનુભવોનો ઉલ્લેખ કરતા, જયશંકરે કનેકટીવિટી અને ચોક પોઈન્ટ્સ (સંવેદનશીલ માર્ગો) વિશે વધતી જતી ચિંતાઓ તરફ પણ ધ્યાન દોર્યું. તેમણે દરિયાઈ વેપારના સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્્યો.
મંત્રીએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય વાણિજ્યનો મુખ્ય આધાર દરિયાઈ વેપાર, જે સુગમ રીતે કાર્ય કરે છે તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે. આપણો દરિયાઈ સહયોગ આમાં નોંધપાત્ર ફરક લાવી શકે છે.” આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમ એશિયામાં હોર્મુઝ સ્ટ્રેટ સહિત મુખ્ય શિપિંગ રૂટ પર વેપારી જહાજા પર હુમલા થઈ રહ્યા છે. આ હુમલાઓમાં અનેક ભારતીય ખલાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સુરક્ષા પરિસ્થિતિએ આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ જળમાર્ગો દ્વારા દરિયાઈ વેપારની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે બેઠક દરમિયાન બંને દેશોએ પરસ્પર હિતના અનેક દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે એશિયામાં બે મજબૂત લોકશાહી તરીકે, ભારત અને જાપાન તેમની ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વીક ભાગીદારીને સતત આગળ વધારી રહ્યા છે. તેમણે કહ્યું કે ૨૦૨૭નું વર્ષ ભારત અને જાપાન બંને માટે મહત્વપૂર્ણ રહેશે, કારણ કે તે વર્ષ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયાના ૭૫ વર્ષ પૂર્ણ કરશે.
ઓગસ્ટ ૨૦૨૫ માં હસ્તાક્ષર કરાયેલ સુરક્ષા સહયોગ પર સંયુક્ત ઘોષણાપત્રનો ઉલ્લેખ કરતા, રાજનાથ સિંહે કહ્યું કે બંને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. તેમણે ભારતમાં આયોજિત “વેલર ગાર્ડિયન-૨૬” લશ્કરી કવાયતમાં પ્રથમ વખત જાપાનના એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સ ફાઇટર એરક્રાફ્ટની ભાગીદારી પર પણ સંતોષ વ્યક્ત કર્યો.
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત અને જાપાન દરિયાઈ અને હવાઈ સુરક્ષામાં સહયોગ વધારવા માટે સંમત થયા છે. આમાં દરિયાઈ અને હવાઈ ક્ષેત્રની દેખરેખ, શોધ અને બચાવ કામગીરી અને માહિતી શેરિંગનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે બંને દેશો “યુનિકોર્ન” પ્રોજેક્ટ સંબંધિત કરારો પર ઝડપથી પ્રગતિ કરવાની આશા રાખે છે. તેમણે “ડિઝાઇન વિથ જાપાન, મેન્યુફેક્ચર ઇન ઇન્ડિયા” પહેલ હેઠળ સંરક્ષણ ઉદ્યોગમાં સહયોગ વધારવા પર પણ ભાર મૂક્યો હતો.
બંને દેશો પાણીની અંદરની ટેકનોલોજી, મિસાઇલ ટેકનોલોજી અને અન્ય વિશિષ્ટ સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગને વધુ તીવ્ર બનાવવા સંમત થયા. ચર્ચામાં નૌકાદળના જહાજાના સમારકામ પરના કરારની વહેલી તકે પૂર્ણતા અને સબમરીન ખાણો શોધવા અને નિસક્રિય કરવાની ક્ષમતા વધારવાનો પણ સમાવેશ થાય છે. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત અને જાપાન માને છે કે આંતરરાષ્ટ્રીય વિવાદોનો ઉકેલ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર શાંતિપૂર્ણ રીતે આવવો જોઈએ.







































