લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન, રાહુલ ગાંધી સતત ભારતની ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચ પર નિશાન સાધી રહ્યા છે. હવે, શિકાગો યુનિવર્સિટીમાં તેમના તાજેતરના નિવેદનમાં, રાહુલ ગાંધીએ એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ હવે દબાણથી કંટાળી ગયા છે અને વિપક્ષને આંતરિક માહિતી પૂરી પાડી રહ્યા છે. શિકાગો યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર રોબર્ટ પેપ સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી હતી કે અસંખ્ય ગેરરીતિઓ અને નુકસાન છતાં, વિપક્ષ ચૂંટણીનો બહિષ્કાર કરશે નહીં, કારણ કે આમ કરવાથી લોકશાહી માળખું સંપૂર્ણપણે નાશ પામશે.રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેમને ચૂંટણી પંચની અંદરથી જ માહિતી મળી રહી છે. કમિશનના વરિષ્ઠ અધિકારીઓ હવે કહી રહ્યા છે કે તેઓ આ રીતે ચાલુ રાખી શકતા નથી અને સમગ્ર માળખું તૂટી પડે તે પહેલાં તે ફક્ત સમયની વાત છે. તેમણે કહ્યું હતું કે તેઓ ૧૦૦% પુરાવા વિના લોકશાહી પર પ્રશ્ન ઉઠાવતા નથી. વિપક્ષની રણનીતિ એ છે કે ચૂંટણીમાં થતી ગેરરીતિઓ જનતાના ધ્યાન પર લાવવામાં આવે અને જ્યાં સુધી નાગરિકો પોતે જ સમજી ન જાય કે સમગ્ર વ્યવસ્થા નાશ પામી છે ત્યાં સુધી સતત ચર્ચા ચાલુ રાખવામાં આવે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “આપણા માટે, ભારતીય લોકશાહી પવિત્ર છે. મારા માટે એ કહેવું પણ મુશ્કેલ છે કે ભારતીય લોકશાહીમાં કોઈ સમસ્યા છે જ્યાં સુધી મારી પાસે ૧૦૦%…૨૦૦%…૩૦૦% પુરાવા ન હોય. જા આપણે કહીએ કે આપણે ચૂંટણીમાં ભાગ નહીં લઈએ, તો ભારતીય લોકશાહી તરત જ તૂટી જશે, અને આપણે ભારતીય લોકશાહીના માળખાને નષ્ટ કરવા માંગતા નથી. તેથી, અમારી રણનીતિ એ છે કે શું થઈ રહ્યું છે તે જનતાના ધ્યાન પર લાવવાની અને ભારતીય જનતાને ખ્યાલ ન આવે કે આખી સિસ્ટમ બરબાદ થઈ ગઈ છે ત્યાં સુધી વાતચીત ચાલુ રાખવાની છે.” નોંધનીય છે કે રાહુલ ગાંધીએ અગાઉ ન્યૂયોર્કમાં કોલંબિયા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન “મત ચોરી”નો દાવો કર્યો હતો. ભાજપે તેમના પર મોટો હુમલો કર્યો હતો.રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, “અમે ચૂંટણી માળખાને તોડી પાડવા માંગતા નથી કારણ કે જા વિપક્ષ જાહેર કરે છે કે તે ચૂંટણી નહીં લડે, તો ભારતીય જનતાની નજરમાં આખી ચૂંટણી પ્રક્રિયા ગેરકાયદેસર બની જશે. અમે એવું નથી ઇચ્છતા… શું આપણે? તેથી, ભલે આપણે અને સમગ્ર વિપક્ષે આના કારણે ઘણું નુકસાન સહન કર્યું હોય, અમે જાણી જાઈને આવું પગલું નથી ભરી રહ્યા. અમને સંપૂર્ણ વિશ્વાસ છે, અને હું તમને સ્પષ્ટપણે કહી રહ્યો છું કે, અમને ચૂંટણી પંચની અંદરથી જ માહિતી મળી રહી છે. આ સમગ્ર માળખું તૂટી પડે તે ફક્ત સમયની વાત છે. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ હવે કહી રહ્યા છે, ‘જુઓ, આપણે હવે આ રીતે ચાલુ રાખી શકતા નથી.’ તે એક લાંબી સફર રહી છે, પરંતુ અમારા માટે, તે ક્ષમતા આપણી ભારતીયતાના મૂળમાં છે.”







































