રાજુલામાં યુવક, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી સરકારી લાયબ્રેરી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનવાને બદલે હાલ બિનઉપયોગી બની રહી હોવાની સ્થિતિ સામે આવી છે. આશરે બે મહિના પહેલાં શરૂ થયેલી આ લાયબ્રેરીમાં બે હજાર જેટલાં પુસ્તકો ઉપલબ્ધ છે. બે રૂમ અને ગ્રંથપાલની કચેરી ધરાવતી આ લાયબ્રેરીમાં શરૂઆતના દિવસોમાં સાત અને ત્યારબાદ કુલ આઠ સભ્યોનાં ખાતાં ખૂલ્યાં હતાં. જોકે, ત્યાર પછી અભ્યાસ માટે કોઈ ખાસ આવતું ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. રાજુલા શહેરથી દોઢથી બે કિલોમીટર દૂર લાયબ્રેરી હોવાથી વિદ્યાર્થીઓને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ આ સ્થળે શાળા કાર્યરત હતી, પરંતુ ગામથી દૂર હોવાને કારણે વિદ્યાર્થીઓ આવતા ન હોવાથી શાળા બંધ થઈ હતી. તેમ છતાં લાયબ્રેરી માટે આ જ સ્થળ પસંદ કરાતાં સરકારની સારી યોજનાનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચતો નથી. શહેરની મધ્યમાં અનેક મકાનો અને આધુનિક ઇમારતો ઉપલબ્ધ હોવા છતાં દૂરના સ્થળે ભાડે જગ્યા રાખવા અંગે સવાલો ઊઠી રહ્યા છે.
આ અંગે ભાવનગર હેડ ઓફિસના ગ્રંથપાલ વિનયકુમારે જણાવ્યું હતું કે રાજુલામાં લાયબ્રેરી માટે યોગ્ય જગ્યા મળતી ન હોવાથી એક હોલ અને ત્રણ રૂમ ભાડે રાખવામાં આવ્યા છે. ભાડાની રકમ અંગે તેમને જાણ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. બીજી તરફ દિપુભાઈએ પોતે તમામ કાગળો સાથે મકાનની ઓફર કરી હોવા છતાં ગામથી દૂર હોવાનું કારણ આપી જગ્યા પસંદ ન કરાઈ હોવાનું જણાવ્યું હતું. વેપારી અગ્રણી બીપીનભાઈ મહેતાએ શહેરની મધ્યમાં લાયબ્રેરી માટે યોગ્ય મકાન ઓછા ભાવે આપવા તૈયારી દર્શાવી છે.યુવા અગ્રણી ગીરીશભાઈ બાબરીયાએ જણાવ્યું હતું કે વાહનની સુવિધા ન હોવાથી બે કિલોમીટર દૂર આવેલી લાયબ્રેરીમાં જઈ શકતા નથી અને ખાનગી લાયબ્રેરીમાં માસિક રૂ. ૫૦૦ ચૂકવી અભ્યાસ કરવો પડે છે. સૌરભ સાહિત્ય સંસ્થાનના પ્રમુખ શશિભાઈ રાજ્યગુરુએ પણ લાયબ્રેરી શહેરની મધ્યમાં અથવા શૈક્ષણિક સંસ્થાઓ નજીક હોવી જરૂરી ગણાવી હતી.
વાલી મંડળના પ્રમુખ અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ ચિરાગભાઈ જોષીએ જણાવ્યું હતું કે મફત પુસ્તકો અને વાંચન સુવિધા આપતી આ યોજના આવકારદાયક છે, પરંતુ અંતર વધારે હોવાથી વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકતા નથી. નિવૃત્ત કર્મચારી ઘનશ્યામભાઈ મશરૂએ સ્થાનિકોને જાણ કર્યા વિના જગ્યા ભાડે રાખવા સામે નારાજગી વ્યક્ત કરી હતી. રાજુલા નગરપાલિકાના પ્રમુખ મયુર દાદાએ લાયબ્રેરી શહેરમાં ખસેડવામાં આવે તો નગરપાલિકા ટોકન ભાવે મકાન આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સના બકુલભાઈ વોરાએ પણ લાયબ્રેરી તાત્કાલિક શહેરમાં ખસેડવાની માંગ કરી છે.
આ સુવિધાનો વિદ્યાર્થીઓને વાસ્તવિક લાભ મળે તે માટે સંબંધિત વિભાગ અને તંત્ર યોગ્ય નિર્ણય લે તેવી માંગ ઉઠી છે. હાલ બે હજાર પુસ્તકો હોવા છતાં વાંચકો ન મળતાં સરકારી ખર્ચ અને યોજનાના હેતુ અંગે પણ સવાલો ઊભા થયા છે.