અમરેલી જિલ્લાના મોટા લીલીયા તાલુકાના કલ્યાણપરથી મોટા ચારોડિયા જતા નોન-પ્લાન રસ્તાને પાકો બનાવવા માટે ગ્રામજન અશ્વિનભાઈ બલરે ખેડૂતોના સંમતિ પત્રકો સાથે લાઠી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે. અગાઉ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારીની હાજરીમાં થયેલી ચર્ચા મુજબ, હાલ ૨.૫ થી ૩.૦ મીટર પહોળા આ માર્ગને ૧૦ મીટર પહોળો કરવા ખેડૂતોની સંમતિ જરૂરી હોવાનું જણાવાયું હતું. રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે કે મૂળ રાજમાર્ગ સમાન આ રસ્તા પર બંને બાજુ કાંટાળા બાવળ અને ઝાડી-ઝાંખરાં ઊગી નીકળતાં તે અત્યંત સાંકડો બની ગયો છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરી તેની નકલ આપવા વિનંતી કરાઈ છે, તેમજ અરજીની નકલો જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ, ધારાસભ્ય અને મામલતદાર સહિતના સંબંધિત હોદ્દેદારોને પણ જાણ અર્થે મોકલવામાં આવી છે.