શહેરમાં માદક પદાર્થોના ગેરકાયદે કારોબાર સામે પોલીસે હાથ ધરેલા અભિયાન અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ને વધુ એક સફળતા મળી છે. એસઓજીની ટીમે એરપોર્ટ રોડ પર જૈન દેરાસર તરફ જતા માર્ગ પરથી સીએનજી ઓટોરિક્ષામાં નીકળેલા બે શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.૧.૪૮ લાખની કિંમતનો ૪૯.૭૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે ડ્રગ્સ, ઓટોરિક્ષા, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૩.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
એસઓજીને બાતમી મળી હતી કે, રૂમીન જુણેજા અને સાહિલ કાદરી નામના બે શખ્સો જીજે -૨૩-ઝેડ -૯૬૭૩ નંબરની સીએનજી ઓટોરિક્ષામાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને એરપોર્ટ રોડ પર એરપોર્ટ ફાટકથી આગળ જૈન દેરાસર તરફના માર્ગ પરથી પસાર થવાના છે. બાતમીના આધારે એસઓજીની ટીમે સંબંધિત વિસ્તારમાં વોચ ગોઠવી હતી.બાતમી મુજબની ઓટોરિક્ષા સાથે બંને શખ્સો મળી આવતાં પોલીસે તેમને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. બંનેની અંગજડતી દરમિયાન ૪૯.૭૦ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં રિક્ષા ડ્રાઇવિંગ કરતો સાહિલ ઉર્ફે જાડાબાપુ શફીભાઈ કાદરી (ઉં.વ.૩૪) તથા મજૂરીકામ કરતો રૂમીન ઉર્ફે રૂમલો મયુદ્દીનભાઈ જુણેજા (ઉં.વ.૨૬)નો સમાવેશ થાય છે.
પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ.૧,૪૮,૧૦૦ની કિંમતનો ૪૯.૭૦ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો, રૂ.૪ હજારની કિંમતનો વનપ્લસ મોબાઇલ, રૂ.૪ હજારની કિંમતનો સેમસંગ મોબાઇલ, રૂ.૧.૫૦ લાખની કિંમતની સીએનજી ઓટોરિક્ષા, રૂ.૧,૨૦૦ રોકડા તથા આધારકાર્ડ સહિત કુલ રૂ.૩,૯૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા રૂમીન ઉર્ફે રૂમલો જુણેજા સામે અગાઉ રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૨માં આઇપીસીની કલમ ૩૨૩, ૪૨૭ અને ૫૦૪ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત વર્ષ ૨૦૨૦માં ગાંધીગ્રામ પોલીસ મથકમાં પણ તેની સામે ગુનો નોંધાયેલ છે. હાલ એસઓજીએ બંને આરોપીઓ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે








































