અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે શેરબજારમાં રોકાણના નામે ૬૭.૯૨ લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરવાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસની તપાસ દરમિયાન નેશનલ સાયબર ક્રાઈમ રિપો‹ટગ પોર્ટલ પર દેશના ૧૫થી વધુ રાજ્યોમાં આ ગેંગ વિરુદ્ધ ૮૦થી વધુ ફરિયાદો અને ૫૦ કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યાનુસાર, આરોપીઓએ વોટ્‌સએપના માધ્યમથી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. તેણે પ્રતિષ્ઠિત વિદેશી નાણાકીય સંસ્થા ‘જુલિયસ બેર’ના નામે જેબી એકસ વન તથા આઇડી કયુએસબી નામની બનાવટી મોબાઈલ એપ્લિકેશન્સમાં રોકાણ કરાવ્યું હતું. રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે સેબીનું ફેક સર્ટિફિકેટ મોકલવામાં આવતું હતું અને દૈનિક ૫થી ૨૦ ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપવામાં આવતી હતી. ફરિયાદીએ જ્યારે પોતાના નાણાં પરત ખેંચવાનો પ્રયાસ કર્યો, ત્યારે ૨૦ ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને ૪ ટકા સેસના નામે વધુ રકમની માંગણી કરીને નાણાં અટકાવી દેવાયા હતા.
સાયબર ક્રાઈમ બ્રાંચે ટેકનિકલ અને માનવ વિગત આધારિત તપાસ કરીને વડોદરા અને અમદાવાદમાંથી ચાર આરોપીઓ—ઇસ્તીયાક યુસુફ રિયાવાલા, સોહેબ જાજાવરવાલા, શેહઝાદ અજમેરવાલા અને ઈરફાન શેખની અટકાયત કરી છે. મુખ્ય આરોપી ઇસ્તીયાક પાસેથી વિવિધ બેંકોની ૩૦થી વધુ એકાઉન્ટ કિટ્‌સ મળી આવી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ ડીસીપી લવિના સિન્હાએ જણાવ્યા મુજબ, વોટ્‌સએપ ગ્રૂપમાં ‘આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ’ના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને એક મહિલા એડમિને ફરિયાદીને વધુ રોકાણ કરવા માટે આકર્ષિત કર્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ કમિશનની લાલચે સામાન્ય લોકોના બેંક ખાતાઓ મેળવી તેની કિટ્‌સ દુબઈ સ્થિત મુખ્ય સાગરીતોને મોકલતી હતી. દરેક કિટ દીઠ ૧૦થી ૧૫ ટકા કમિશન નક્કી કરવામાં આવ્યું હતું. આરોપી સોહેબ અને ઇસ્તીયાક દુબઈના મુખ્ય સંચાલકો સાથે સીધા સંપર્કમાં રહી સ્થાનિક નેટવર્ક સંભાળતા હતા. હાલ પોલીસ આ આંતરરાષ્ટ્રીય રેકેટ અને તેમાં સામેલ અન્ય લોકો અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.