ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં વર્ષો જૂની પરંપરા મુજબ વિજયાદશમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિજયાદશમી મહોત્સવ સમિતિ ટ્રસ્ટ અને ભવાની યુવક મંડળ દ્વારા આયોજિત મહોત્સવમાં ૫૧ ફૂટ ઊંચા રાવણના પૂતળાનું ભવ્ય આતશબાજી સાથે દહન કરાયું હતું.બપોરે જંગલેશ્વર મંદિરેથી ભગવાન રામચંદ્રજીની સવારી સાથે શોભાયાત્રા નીકળી હતી. જેમાં રામ દરબાર, લવ-કુશ, શબરી મિલન, બાહુબલી હનુમાન, મહાકાળી માતાજી સહિતની ધાર્મિક અને સાંસ્કૃતિક ઝાંખીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ડી.જે.ના તાલે ઉત્સવનો માહોલ જામ્યો હતો.શોભાયાત્રા શિંગોડા નદીના પટાંગણમાં પહોંચ્યા બાદ આતશબાજી સાથે રાવણ દહન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક જોડાઈ સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. મહોત્સવ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.