ભાવનગર જિલ્લાના મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ૧૭ વર્ષની સગીરા સાથે જાતીય શોષણનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં પીડિતાએ તેના પિતા મારફતે ગર્ભપાતની મંજૂરી મેળવવા ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. અરજી સમયે સગીરા આશરે ૨૩ અઠવાડિયા અને ૪ દિવસની ગર્ભવતી હતી. આ સંવેદનશીલ મામલે મેડિકલ ટર્મિનેશન આૅફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ ગર્ભપાતની મંજૂરી માગવામાં આવી હતી.
હાઈકોર્ટના આદેશ બાદ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલના તબીબોની પેનલે સગીરાની તબીબી તપાસ કરી હતી. મેડિકલ બોર્ડે પોતાના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે ગર્ભપાત તબીબી રીતે શક્ય છે અને કાયદાની જોગવાઈઓ અનુસાર પીડિતા તથા તેના વાલીની સંમતિથી પ્રક્રિયા હાથ ધરી શકાય છે. પીડિતા અને તેના પિતાએ આ પ્રક્રિયા સાથે સંકળાયેલા જોખમો સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે દુષ્કર્મ બાદ ગર્ભાવસ્થા ચાલુ રાખવી સગીરાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર અસરકારક બની શકે છે. બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનો ઉલ્લેખ કરતાં કોર્ટે મહિલાના શરીર પરના અધિકાર અને માનવ ગૌરવના મહત્વને ધ્યાનમાં લીધું હતું.
ગુજરાત હાઈકોર્ટે સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં જરૂરી તબીબી સુવિધાઓ સાથે ગર્ભપાતની પ્રક્રિયા સત્વરે હાથ ધરવાની મંજૂરી આપી છે. આ માટે ત્રણ વરિષ્ઠ તબીબો, સાયકોલોજિસ્ટ, ફિઝિશિયન અને એનેસ્થેટિકની ટીમ તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આદેશ મુજબ, પીડિતાએ પ્રક્રિયા સાથે સંકળાયેલા જોખમ અંગે બાંહેધરી આપવાની રહેશે.
કોર્ટના આદેશમાં એવી સ્થિતિ અંગે પણ જાગવાઈ કરવામાં આવી છે કે જો પ્રક્રિયા દરમિયાન બાળક જીવિત જન્મે, તો હોસ્પિટલ દ્વારા તેને શ્રેષ્ઠ શક્ય તબીબી સારવાર આપવામાં આવે. જો પીડિતા અથવા તેનો પરિવાર બાળકને સ્વીકારવા તૈયાર ન હોય, તો રાજ્ય સરકાર અને સંબંધિત એજન્સીઓએ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ તેની સંભાળ અને જવાબદારી સુનિશ્ચિત કરવાની રહેશે.
આ કેસમાં તપાસ માટે જરૂરી ગર્ભના ટિશ્યુ વૈજ્ઞાનિક પદ્ધતિથી એકત્રિત કરીને પોલીસને સોંપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે, જેથી આરોપી વિરુદ્ધ પુરાવા તરીકે ડ્ઢદ્ગછ તપાસ કરી શકાય.એફએસએલ અધિકારીએ આદેશ મુજબ આઠ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
આ ઉપરાંત, તપાસ અધિકારીને તપાસ ઝડપથી પૂર્ણ કરવા અને ચાર્જશીટ દાખલ થયા બાદ છ મહિનાની અંદર કેસનો નિકાલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા નીચલી અદાલતને નિર્દેશ આપવામાં આવ્યો છે.