લાઠીના રામપર ગામે એક પરિણીતાને ‘વાત આપણી બંને વચ્ચે રહેવી જોઈએ, નહીંતર ફરીવાર તારા ઘરે આવીશ’ તેમ કહી ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત, પરિણીતા શેરીમાં નીકળે ત્યારે આરોપી અવારનવાર સામું જોઈને ઈશારા કરી સતામણી કરતો હતો.બનાવ સંદર્ભે પરિણીતાએ જયંતીભાઈ પોપટભાઈ વસોયા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, સવારે આશરે સાડા દસેક વાગ્યે પરિણીતા પોતાના ઘરે હાજર હતી, તે સમયે આરોપી ત્યાં આવ્યો હતો. મહિલાએ બનાવેલું નવું મકાન આરોપી જોઈ રહ્યો હતો, તે વખતે તેણે મહિલાની કમરે હાથ ફેરવવા દેવાનું કહેતા મહિલાએ વિરોધ કર્યો હતો, જેથી આરોપીએ ગાળો આપી હતી.ત્યારબાદ આરોપીએ મહિલાના બંને હાથ પકડી ગુનાહિત બળ વાપરી ‘આ વાત આપણી બંને વચ્ચે રહેવી જોઈએ, નહીંતર ફરીવાર તારા ઘરે આવીશ’ તેમ કહી ધમકી આપી હતી. આ બનાવ પછી પણ આરોપી ઘર પાસેથી શેરીમાં નીકળે ત્યારે અવારનવાર સામું જોઈને ઈશારા કરી તેમની જાતીય સતામણી કરતો હતો. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. એન. ગરૈયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.