ઉના બાયપાસ રોડ પર મોડી રાત્રે પથ્થર ભરેલા ટ્રેક્ટર પાછળ પૂરપાટ ઝડપે આવેલી બોલેરો કાર ધડાકાભેર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચલાવી રહેલા ગોંડલ તાલુકાના ગુંદાળા ગામના રહેવાસી ૩૦ વર્ષીય ક્રિપાલ જયંતિભાઈ ડાભીને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. બોલેરો કારમાં સવાર અન્ય ત્રણ યુવકો પૈકી જીગ્નેશ પરબતભાઈ મકવાણાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં કુલદીપ કિશોરભાઈ ગણાત્રા અને મનસુખ છગનભાઈ ઉમરખાણિયાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બંનેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. મોડી રાત્રે સર્જાયેલા આ અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને અકસ્માતને લઈને અરેરાટી વ્યાપી ગઈ હતી.