ધોરાજી પંથકમાં ચાલુ ચોમાસાની સિઝન ખેડૂતો માટે પડકારજનક બની હોવાની રજૂઆત થઈ રહી છે. વાવેતર પહેલાં ડીઝલ, ખાતર, બિયારણ, દવા અને મજૂરીના ખર્ચમાં વધારો થતાં ખેડૂતો પર આર્થિક ભાર વધ્યો હતો. વાવેતર બાદ વરસાદ ખેંચાતા કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા સહિતના પાકને પાણીની તંગીનો સામનો કરવો પડ્યો હતો. સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતોએ સ્વખર્ચે પાક બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વરસાદ અને અસહ્ય ગરમીના કારણે પણ પાકને નુકસાન થયાની ખેડૂતોની રજૂઆત છે. ખેડૂત વિજય બાબરીયા, જયેશ લાખાણી અને ખેડૂત આગેવાન દિનેશ વોરાએ ખેતી ખર્ચ અને હવામાનની અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હવે શિયાળુ વાવેતર માટે પાણીની ઉપલબ્ધતા અંગે પણ ખેડૂતો ચિંતિત છે. પાક નુકસાનનો યોગ્ય સર્વે કરી નિયમ મુજબ સહાય આપવા અને ખેતી ખર્ચમાં રાહત આપવા ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી છે.








































