કોઈ સંકટઘેર્યા મનુષ્યને એમ કહેવું કે આ એ બધો સમય છે જેનાથી તારો ઉધ્ધાર થવાનો છે તો એવા ઉપદેશની એને જરૂર હોતી નથી. આપણે ત્યાં સંઘર્ષના એડવોકેટોની સંખ્યા એટલી વિશાળ છે કે યૌવનમાં પ્રવેશતા સુધીમાં તો દરેકને એમ સમજાવી દેવામાં આવે છે કે સંઘર્ષ જ સફળતાનો રાજમાર્ગ છે. ખરેખર તો સફળતા માટેના અનેક રસ્તાઓમાં થર્ડ ક્લાસ રસ્તો સંઘર્ષ છે. આ જગતમાં બધું જ સુગમ અને સરળ છે. પરંતુ માત્ર પોતાની ‘દુકાન’ ચલાવવા માટે કેટલાક લોકોએ બધું જ દુર્ગમ હોય એવા ઘંટારવ ચાલુ રાખ્યા છે. કશુંક પ્રાપ્ત કરવા માટેની સાધના તો એક પ્રક્રિયા છે. તમારી ઈચ્છા હોય તો એવી સાધના કરો એને ઉતાવળે સંઘર્ષ કહેવાની જરૂર નથી. અનેક પ્રક્રિયાઓને આપણે સંઘર્ષ કહીએ છીએ તે એટલી હદે કે આપણા દેશમાં સાવ સામાન્ય સંકટ હોય એનેય કોઈ મહાવિષાદી પુરુષાર્થની જેમ વર્ણવનારા નેરેટરો છે. દુઃખને ગ્લોરિફાય કરવામાં ભારતનો જોટો જડે એમ નથી. એમાંય કોઈ કોઈ તો એવા સુખી લોકો હોય કે જેઓ પ્રયત્નપૂર્વક ભૂતકાળમાંથી પોતાના દુઃખ ફંફોસીને કહેતા હોય. દુઃખનું વર્ણન કરવામાં વ્યક્તિ જો વળી આપવડાઈ દાખવે તો પછી એમને સાંભળવાનું અસહ્ય થઈ પડે.
જિંદગી આપણને જે કંઈ આપે છે એના બદલામાં એને ખોટકાઈ જવાનો પૂરો અધિકાર છે. આ શરીરની વાત નથી. થોડા લોકોનો અનુભવ એવો છે કે ક્યારેક સાવ નાનકડી ભૂલથી જિંદગી અણધારી અને કદી કલ્પના પણ ન કરી હોય એવી ઝંઝાળમાં ફસાઈ જાય. ચારે બાજુ સંયોગોના ભીષણ ઉછળતા મોજાંઓ અને આપણા નેત્રોને વળગેલી દિશા-શૂન્યતા. જે જહાજ મધદરિયે ફંગોળાય પછી એના સુકાનીની હાલત શું થાય ? એ કહેવા ખાતરનો જ સુકાની રહે. સુકાન સંજોગોના હાથમાં આવી જાય. જહાજ એવું ડોલે કે એ ખુદ એક મોજું બની જાય અને એયને લહેરે લહેરે બહુ ઊંચે ચડીને પછડાય… દરિયાને મન તો લહેરાય! સુકાની તો પણ કંઈ નિઃસહાય દર્શક થઈ બેસી ન રહે. સુકાની એને કહેવાય જે પોતાના ડૂબવાની તમા વિના વહાણને ઉગારે. વહાણ સાથે પોતાને બચવાનીય માયા હોય એ ખલાસી, સુકાની નહિ. આમ પણ સુકાનીઓ એક અલ્પસંખ્યક સમુદાય છે. સંસારના બધા ક્ષેત્રોમાં ખલાસીઓ પારાવાર છે, સુકાની તો ક્યાંક ક્યાંક જ હોય. ચન્દનમ્ ન વને વને !
નાનકડી ભૂલ ખરેખર તો દુનિયાના તમામ મહાકાવ્યોનો અને મહાન નાટકોનો વિષય છે. પર ધન, પર સ્ત્રી, પરાશ્રય, પર ધર્મ… આ બધાને ભયાવહ માનવામાં આવે છે. પ્રારંભે આકર્ષક હોય અને પરિણામે એટલે કે અંતે ભયાનક હોય. મનુષ્ય આ પૃથ્વીના પટમાં રઝળપાટ જેટલો પણ કરે એની ધૂળ કે સોનરજ એના ઘર પર ઉડ્યા વિના રહેતી નથી. સર્વ કર્મોનો વરઘોડો આખરે આપણા ફળિયે આવે છે. ક્યારેક પત્નીની આંખો વણઉચ્ચારે કહેતી હોય છે કે… તમે આવા તો ન હતા ! સાવ અલ્પ કહેવાય એવા આ આયુષ્યમાં સહેજ બેધ્યાન થાઓ એટલે ઘોંઘાટ ઘરમાં ઘર કરી જાય છે. આ જગતમાં દર્દીઓને હમદર્દીઓની જરૂર છે એનાથી તો ક્યાંય વધુ ક્લેશકારીઓને શાન્તિદાયકોની અને સુલેહકારીઓની જરૂર છે.
જિંદગી કોઈ જહાજની જેમ જ્યારે ઝંઝામાં ફસાઈ જાય છે ત્યારે બધા જ વૃક્ષવેલ સૂસવાટા મારતા પવનમાં ઝૂકી જાય છે. ડગલું આગળ વધવાની વાત તો ક્યાં ? જ્યાં છીએ ત્યાંથી પતન શરૂ થાય છે. આ જગતમાં એવું કોઈ નથી જેના પર ઝંઝાનિલ ન ફૂંકાયો હોય. આવા સમયે પાંદડા પીળા હોય તે ગગનનૃત્યના મંડપે ઉડીને પછી બહુ દૂર જઈ પડે છે. જે જે લીલાછમ હોય તે વળગી રહે છે. ઝંઝા આવે છે તો સંયોગથી પણ એમાં ટકે છે એ જ જેના કૂવાથંભ મજબૂત હોય. કે જે ઝાડના મૂળ ઊંડા હોય. કેટલાક લોકો એટલા સુખાળવા થઈ ગયા, હોય છે કે જરાક આંચકો લાગે કે તુરત એમનું જહાજ ઊંધુ વળ્યું જ સમજો ! જેઓ એમ માને છે કે તેઓ સુખી થવા માટે જ પૃથ્વી પર આવ્યા છે, વાત સાચી પણ છે, પરંતુ તેઓ જિંદગીના પલટાઉ રંગથી સાવ અપરિચિત હોય છે.
સુખનું વર્તુળ એ સૌથી અઘરી ડિઝાઈન છે. કોઈનાથીય આ વર્તુળ પૂરું થતું નથી. બે છેડા ભેગા કરવા જાઓ ત્યારે એ જ વર્તુળમાં વળી ઈતર કોઈ બાહ્ય ગોળાર્ધે અનુસંધાન તૂટી જાય છે ને ખાલી જગ્યા દેખાય છે. ત્યાં રેખા આગળ ચલાવો ને માંડ વર્તુળ પૂરું થવા આવે ત્યાં વળી બીજે ક્યાંક રેખા તૂટે છે. સાધુ પુરુષો શું કરે છે ? તેઓ એકેય બાજુથી રેખાઓના ટુકડાને સાંધવાની મથામણ કરતા નથી. સંસાર જ જેમણે છોડી દીધો છે એ તો વર્તુળની બહારના વિરાટ અવકાશના પંખી છે. એમની પાસે બજારમાં વેચાતા સુખના ગણિત કે જાતે બનાવેલા કોષ્ટકો નથી. તેઓ સુખનો પીછો કરતા નથી. શાન્તિના તો તેઓ સર્જક છે એટલે એમણે શાન્તિ શોધવાની નથી. એમને મન શ્વાસનો પવન અને ઝંઝાનો સૂસવાટો એક જ છે અને એ જ ખરા સાધુપુરુષ છે.







































