પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડી સાથે જોડાયેલા એક મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. પોલીસ ફરિયાદ મુજબ, સાયબર ફ્રોડ કરતી ગેંગને કમિશનના બદલામાં પોતાના બેંક ખાતા અને બેંક કિટ ઉપલબ્ધ કરાવનારા ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસમાં આ ખાતાઓ મારફતે કુલ રૂ.૨,૫૮,૦૮,૭૬૯.૪૮ના અનધિકૃત ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધવલની ફરિયાદના આધારે વાંણા ગામના બચુજી નાગરાજી ઠાકોર, પાટણની ગીતાજલી સોસાયટીના પાર્થપુરી પ્રવિણપુરી ગૌસ્વામી અને મહાદેવનગર સોસાયટીના આત્મારામ અમૃતભાઈ નાઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ પોતાના નામે ખોલાવેલા વિવિધ બેંક ખાતા તેમજ સંબંધિત બેંક કિટ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા અન્ય લોકોને ઉપયોગ માટે આપી હતી. તેના બદલામાં તેઓ કમિશન મેળવતા હોવાનો આરોપ છે.
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો અનુસાર, ૨ એપ્રિલ ૨૦૨૫થી ૨૮ જુલાઈ ૨૦૨૬ દરમિયાન આ ત્રણ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને ઓનલાઈન છેતરપિંડી સંબંધિત કુલ રૂ.૨,૫૮,૦૮,૭૬૯.૪૮ના અનધિકૃત ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આ રકમના વ્યવહારોને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસમાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે. ત્રણેય બેંક ખાતાઓ સામે નેશનલ સાયબર ક્રાઇમ રિપો‹ટગ પોર્ટલ પર આશરે ૨૭ ફરિયાદો નોંધાયેલી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. જેના આધારે પોલીસ હવે આ ખાતાઓનો ઉપયોગ કઈ રીતે અને કયા સાયબર ફ્રોડમાં થયો હતો તેની તપાસ કરી રહી છે.
પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ પોતાના બેંક ખાતા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા મળતિયાઓને આપ્યા હતા. હવે પોલીસ આ ખાતાઓમાં થયેલા વ્યવહારો, રકમ ક્યાંથી આવી અને ક્યાં ટ્રાન્સફર થઈ, તેમજ આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સંકળાયેલું છે તેની તપાસ કરી રહી છે.











































