બગસરા શહેરના નટવરનગર વિસ્તારમાં રાજુભાઈ બામટા અને હાર્દિકભાઈ બામટાના ઘરે છેલ્લા ઘણા વર્ષોથી ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે. અહીં રોજ મહા આરતી ઉપરાંત દાંડિયારાસ, સત્સંગ અને ભજન સહિતના કાર્યક્રમો યોજાય છે. મહિલાઓ અને બાળકો સહિત વિસ્તારના લોકો આ કાર્યક્રમોમાં જોડાય છે. ગઈકાલે ગણપતિ દાદાને ૫૬ ભોગનો અન્નકોટ કરવામાં આવ્યો હતો, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે ભક્તોને પ્રસાદ તથા નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. દરમિયાન શહેરમાં ઓક્સિજન ગ્રુપ દ્વારા પ્રથમ વખત ૫૧૦૦ લાડુના મહાપ્રસાદનું આયોજન આવતીકાલે ગોંડલીયા ચોક ખાતે કરવામાં આવશે. સાથે મહા આરતીનું પણ આયોજન કરાયું છે. મહેશભાઈ માંડલિયા અને ઉદયભાઈ ધાધલે જાહેર જનતાને મહા આરતી તથા મહાપ્રસાદનો લાભ લેવા અપીલ કરી છે.










































