મહારાષ્ટ્રના લાતુરમાં પારલીના એક યુવાનની ક્રૂર હત્યાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. એનસીપી અજિત પવાર જૂથના કોર્પોરેટર અલ્તાફ પઠાણ સહિત ત્રણ લોકો સામે લાતુરના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના ૧૬ સપ્ટેમ્બરની રાત્રે લાતુરના હોટેલ આમેર સંકુલમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પારલીના રહેવાસી ૩૫ વર્ષીય શેખ મન્સૂર અલી તેના મિત્રો સાથે બિદર જઈ રહ્યા હતા ત્યારે તેઓ હોટેલ આમેરમાં રાત્રિભોજન માટે પહોંચ્યા હતા.રેતીના ધંધા સાથે જાડાયેલા આશરે ૧૦ લાખ રૂપિયાના જૂના નાણાકીય વિવાદને લઈને મન્સૂર અલીનો ત્રણ લોકો સાથે ઝઘડો થયો હોવાનો આરોપ છે. ત્યારબાદ હોટલની બહાર તેમના પર તીક્ષ્ણ હથિયારો અને દાતરડાથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા મન્સૂર અલીને લાતુરની સરકારી હોÂસ્પટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
અલ્તાફ ખાન સરદાર ખાન પઠાણ, ખાલેદ હમીદ શેખ અને ઉમર મહેબૂબ શેખ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આજે તેમની ધરપકડ કરી હતી. ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પોલીસ સીસીટીવી અને અન્ય પુરાવાઓના આધારે કેસની તપાસ કરી રહી છે.
મન્સૂર અલીના ભાઈએ કહ્યુંઃ આ લોકોએ મારા ભાઈની ક્રૂરતાથી હત્યા કરી. તેમણે તેને છરી, કુહાડી, પથ્થર અને ઈંટ જેવા હથિયારોથી મારી નાખ્યો. મારા ભાઈને નાના બાળકો છે. આ ત્રણે લોકોએ મારા ભાઈ સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. આ ગુનેગારો છે અને અમે માંગ કરીએ છીએ કે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
મન્સૂર અલીના મિત્રએ કહ્યું કે હું મૃતક મન્સૂર અલી સાથે રાત્રિભોજન માટે આમેર હોટેલ ગયો હતો, જ્યાં આ ત્રણેય પહેલાથી જ હાજર હતા. તેઓએ મન્સૂર સાથે દુર્વ્યવહાર કર્યો અને પછી ઝપાઝપી કરી. હોટલ માલિકે તેમને બહાર ફેંકી દીધા. પછી આ ત્રણેએ કારમાંથી હથિયારો કાઢ્યા અને મારી સામે મન્સૂરને નિર્દયતાથી માર માર્યો. તેઓએ મારા માથા પર પણ માર માર્યો. આ બધા ગુનેગારો છે અને તેમની સામે કડક કાર્યવાહી થવી જાઈએ.









































