શહેરના આજવારોડ પર આવેલી પોદ્દાર સ્કૂલના બસ ડ્રાઇવરની લોનની લેવડદેવડ અને હપ્તા ન ભરવાની તકરારમાં ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો સનસનીખેજ પર્દાફાશ મકરપુરા પોલીસે કર્યો છે. ગુમ થયેલા ડ્રાઇવરની લાશને અકસ્માતમાં ખપાવવા માટે હાઇવે પર ફેંકી દેનાર બસની જ મહિલા કંડક્ટર અને તેના પતિની પોલીસે ગણતરીના દિવસોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજવારોડના એકતાનગરમાં રહેતા અને પોદ્દાર સ્કૂલમાં બસ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ૫૪ વર્ષીય રમેશભાઈ પવાર ગત ૭મી તારીખે રહસ્યમય રીતે ગુમ થયા હતા. દરમિયાન ૯મી તારીખે જાંબુવા હાઇવે પરથી એક અજાણ્યા આધેડનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર વીડિયો જાઈ પુત્ર કેયૂરે મૃતદેહની ઓળખ પોતાના પિતા તરીકે કરી હતી. ચહેરો ઓળખાય તેમ ન હોવાથી પોલીસે ઓળખ માટે ડીએનએ સેમ્પલ લીધા હતા.
બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે સીસીટીવી તેમજ સીડીઆર (કોલ ડિટેઇલ્સ રેકોર્ડ)ના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. જાંબુવા પાસે મળેલી ડીકમ્પોઝ બોડીમાંથી ઓળખના કોઈ પુરાવા ન હોવાથી તપાસ ટીમો દ્વારા ૧૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. કોલ ડિટેઇલ્સના એનાલિસિસ દરમિયાન સામે આવ્યું કે બનાવના દિવસે મરણ જનાર રમેશભાઈની સૌથી વધુ વાતચીત તેમની સાથે નોકરી કરતી મહિલા કંડક્ટર પૂજા ખડસે સાથે થઈ હતી.
પોલીસે શંકાના આધારે કંડક્ટર પૂજા ખડસેની કડક પૂછપરછ કરતાં આખી હત્યાનો પર્દાફાશ થયો હતો. રમેશભાઈએ પોતાના નામે લીધેલી લોનમાંથી પૂજાને નાણાં આપ્યા હતા, પરંતુ પૂજા તેના નિયમિત હપ્તા ભરતી નહોતી. ૭મી તારીખની રાત્રે બરોડા ડેરી પાસે હિમાંશુ ખડસેની કંપની બસમાં આ લોનના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વધતાં પૂજાના પતિ હિમાંશુએ બસમાં રહેલો લોખંડનો સળિયો રમેશભાઈની છાતીમાં મારી દીધો હતો, જેથી ગંભીર આંતરિક ઇજાઓ થતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
હત્યા બાદ દંપતીએ ગુનાનો આશરો છુપાવવા અને પુરાવાનો નાશ કરવા માટે રાત્રે જ રમેશભાઈની લાશને જાંબુવા હાઇવે પર અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી, જેથી તે અકસ્માત લાગે. એટલું જ નહીં, બીજા દિવસે તેમણે રમેશભાઈની રિક્ષા છાણી જકાતનાકા પાસે મૂકીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, મકરપુરા પોલીસે ૧૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અંધારામાં રહેલા હત્યા કેસનો સફળતાપૂર્વક ભેદ ઉકેલીને આરોપી પૂજા ખડસે અને તેના પતિ હિમાંશુની અટકાયત કરી લીધી છે.









































