ઈંગ્લેન્ડ શ્રીલંકા સામે ઘરઆંગણે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી રમી રહ્યું છે. શ્રેણીની બીજી મેચ ૧૭ સપ્ટેમ્બરના રોજ કાર્ડિફના સોફિયા ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. યજમાન ટીમે આ મેચ ૬ વિકેટથી જીતીને શ્રેણીમાં ૨-૦ ની અજેય લીડ મેળવી હતી. આ મેચમાં, ઈંગ્લેન્ડના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન જાસ બટલરે તેની ૩૦ રનની ઇનિંગ સાથે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. આ ફોર્મેટના મહાન ખેલાડીઓમાંના એક ગણાતા, બટલર હવે ટી ૨૦ ક્રિકેટમાં ૧૫,૦૦૦ રનનો આંકડો પાર કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
જાસ બટલરે ટી ૨૦ ક્રિકેટમાં ૧૫,૦૦૦ રનનો આંકડો પૂરો કર્યો જ નહીં, પરંતુ ફરી એકવાર આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો છે. બટલરે આ સંદર્ભમાં વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ ખેલાડી કિરોન પોલાર્ડને પાછળ છોડી દીધો છે, તેણે ૭૫૪ ટી ૨૦ મેચોમાં ૬૭૧ ઇનિંગ્સમાં ૩૧.૭૧ ની સરેરાશથી ૧૪,૯૯૯ રન બનાવ્યા છે. બટલરે તેની ૫૨૮મી મેચની ૪૯૭મી ઇનિંગ્સમાં ૩૫.૪૬ ની સરેરાશ સાથે ૧૫,૦૦૦ રનનો આંકડો પૂરો કર્યો છે. બટલરે આ ફોર્મેટમાં અત્યાર સુધી નવ સદી અને ૧૦૭ અડધી સદી ફટકારી છે.
ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન
જાસ બટલર (ઇંગ્લેન્ડ) – ૧૫,૦૦૦ રન
કીરોન પોલાર્ડ (વેસ્ટ ઇન્ડીઝ) – ૧૪,૯૯૯ રન
એલેક્સ હેલ્સ (ઇંગ્લેન્ડ) – ૧૪,૫૮૧ રન
ક્રિસ ગેઇલ (વેસ્ટ ઇન્ડીઝ) – ૧૪,૫૬૨ રન
ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – ૧૪,૨૮૪ રન
છેલ્લા કેટલાક વર્ષોમાં ઇંગ્લેન્ડે શ્રીલંકા સામે ટી ૨૦ મેચમાં પ્રભાવશાળી પ્રદર્શન દર્શાવ્યું છે. કાર્ડિફમાં ૬ વિકેટથી મળેલી જીત શ્રીલંકા સામે સતત ૧૪મી ટી ૨૦ જીત હતી. બંને ટીમો વચ્ચે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ ૧૯ સપ્ટેમ્બરના રોજ માન્ચેસ્ટર સ્ટેડિયમ ખાતે રમાશે.















































