અમરેલી જિલ્લામાં આજથી ગણેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. અમરેલી શહેર, બાબરા, સાવરકુંડલા, જાફરાબાદ અને રાજુલા,બગસરા સહિતના વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા ભવ્ય પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે. વિવિધ સ્થળોએ આકર્ષક રોશની અને રંગબેરંગી સજાવટ કરવામાં આવતા સમગ્ર વિસ્તાર ગણેશમય બની ગયો છે. ગણેશોત્સવના પ્રારંભ પ્રસંગે ગણેશ મંડળો દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની મૂર્તિના આગમનને લઈને વિવિધ વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારા અને ડીજેના તાલે અબીલ-ગુલાલની છોળો વચ્ચે ગણેશજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા. યુવાઓ સહિત મહિલાઓ અને બાળકોમાં પણ ગણેશોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ ગણપતિ બાપ્પાના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જાહેર પંડાલો ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ પોતાના ઘરોમાં પણ વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિ લાવીને વિધિવત પૂજા-અર્ચના સાથે સ્થાપના કરી છે. ઘરોમાં પરિવારજનો દ્વારા ગણેશજીની આરતી અને પૂજા કરીને આગામી દિવસો દરમિયાન ધાર્મિક કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશોત્સવને લઈને બજારોમાં પણ મૂર્તિઓ, પૂજા સામગ્રી અને સજાવટની ચીજવસ્તુઓની ખરીદી માટે લોકોની અવરજવર જોવા મળી હતી. આ વર્ષે પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના તરફ પણ લોકોનો ઝોક વધ્યો છે.
અમરેલીની અનેક સોસાયટીઓમાં માટીના ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. પર્યાવરણને નુકસાન ન થાય અને ગણેશ વિસર્જન બાદ જળસ્રોતો પ્રદૂષિત ન બને તે માટે માટીની મૂર્તિના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ ૧૦ દિવસીય ગણેશોત્સવ દરમિયાન અમરેલી જિલ્લાના વિવિધ ગણેશ મંડળો દ્વારા ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઆરતી, છપ્પનભોગ, લાડુનો પ્રસાદ, ભજન-કીર્તન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગણેશોત્સવ દરમિયાન ભક્તોમાં ધાર્મિક ભાવના સાથે સામાજિક એકતા અને પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપવામાં આવશે. જિલ્લામાં આગામી દિવસોમાં ગણેશ મંડળોના પંડાલો ખાતે વિવિધ કાર્યક્રમોને કારણે ઉત્સવનો માહોલ વધુ જામશે. વિવિધ
ગૃપ દ્વારા ઠેર-ઠેર ગણપતિજીના પંડાલ બનાવી સ્થાપન કરવામાં આવ્યું છે.









































